News of Tuesday, 13th May 2025
ACBની સફળ ટ્રેપ : ચાંગોદર પોલીસના નામે હપ્તા ઉઘરાવતો ખાનગી વ્યક્તિ ૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
રીક્ષા ચલાવવા દેવાના હપ્તા પેટે દર મહિને ઉઘરાણી કરતો અજીતસિંહ સોલંકી ACBના છટકામાં ફસાયો : પોલીસ તપાસ ચાલુ

અમદાવાદ:અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા આજે એક સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં અજીતસિંહ સામતસિંહ સોલંકી (ઉં.વ. ૩૮), જે છૂટક મજૂરી કરે છે અને બાવળાનો રહેવાસી છે, તેને ચાંગોદર પોલીસના નામે લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી ફરિયાદીની રીક્ષા ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં ચલાવવા દેવાના હપ્તા પેટે દર મહિને ૫૦૦ રૂપિયાની માંગણી કરતો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદી પોતાની રીક્ષા ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપી અજીતસિંહ સોલંકી ચાંગોદર પોલીસ વતી ફરિયાદી પાસે દર મહિને ૫૦૦ રૂપિયાનો હપ્તો માંગતો હતો, જેથી તેની રીક્ષાને તે વિસ્તારમાં ચલાવવા દેવામાં આવે. લાંચ આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો અને આ અંગે ફરિયાદ નોંધાવી.
ફરિયાદીની ફરિયાદના આધારે, ACB અમદાવાદ ફિલ્ડ-૩ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી. મહેતા અને મદદનીશ નિયામક શ્રી એ.વી. પટેલના સુપરવિઝન હેઠળ બે સરકારી પંચો સાથે મળીને લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન મુજબ, તા. ૧૩/૦૫/૨૦૨૫ ના રોજ સવારે આશરે ૧૦:૨૭ વાગ્યે મોરૈયા જે.કે. કટ પાસે હાઈવે ઉપર છટકો ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન, આરોપી અજીતસિંહ સોલંકીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ચાંગોદર પોલીસ વતી લાંચના ૫૦૦ રૂપિયા સ્વીકારતા જ ACBના અધિકારીઓએ તેને પકડી લીધો હતો.
હાલમાં આરોપી અજીતસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે અને ACB દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે સામાન્ય નાગરિકો પણ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી શકે છે અને ACB આવા ભ્રષ્ટાચારી તત્વોને પકડવા માટે સતત કાર્યરત છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
