News of Tuesday, 13th May 2025
મમ્મી પાપા મને માફ કરજો, હું હારી ગયો છું. મારી લાઈફ બગાડી નાખી " :સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી યુવાને આપઘાત કર્યો
સુરત પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી પૂર્વ પત્ની અને પ્રેમીને ઝડપી પાડી અન્યોને શોધવાની તજવીજ હાથ ધરી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપ સાટોડીયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં મોટું રાજ છુપાયું હતું. મોત પાછળનું કારણ તેમની પૂર્વ પત્ની, પ્રેમી અને તેમના મિત્રો જવાબદાર હોવાનું વીડિયોમાં જયદીપે જણાવ્યું છે. પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી પૂર્વ પત્ની અને પ્રેમીને ઝડપી પાડી અન્યોને શોધવાની તજવીજ હાથ ધરી છે.
સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા 30 વર્ષીય યુવાન જયદીપ સાટોડીયાએ ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી કરેલા આપઘાતના બનાવમાં ઉત્રાણ પોલીસે યુવાનની સુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વીડિયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ, તેનો પ્રેમી અને તેના 10 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રરણાનો ગુનો નોંધ્યો હતો. જયદીપના આપઘાતના સમાચાર મળતા જ તેની પૂર્વ પત્ની શીતલ અને તેનો પ્રેમી નવસારી ખાતે એક હોટલમાં છુપાઈ ગયા હતા. પોલીસે નવસારીની હોટલમાંથી બન્નેને ઝડપી પાડ્યા હતા. સાથે જ અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. યુવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ અને મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો. જયદીપે એક વાર નહીં પણ ત્રણ વાર આપઘાત કરવાના પ્રયત્ન કર્યા હતા કેમ કે તેના મોબાઈલમાંથી ત્રણ વીડિયો મળ્યા છે. બે વખત અગાઉ પણ તેણે વીડિયો બનાવ્યા હતા પરંતુ ત્યારે તેને આપઘાત કરવાની હિંમત થઈ ન હતી. જોકે ત્યાર બાદ યુવક પર ફરી ત્રાસ વધતા તેણે વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. આ વીડિયો સમગ્ર કેસમાં મહત્વનો સાબિત થયો છે, જેના આધારે પોલીસે 12 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જયદીપ મસુખભાઈ સાટોડીયા ઘરેથી ઓનલાઇન કુર્તીનો ધંધો કરતો હતો. જયદીપે સાગબારાના નિશાળ ફળિયુંના ચિત્રા ગામ માં રહેતી શીતલ સાથે 30 ઓક્ટોબર 2023ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે ત્રણ મહિના રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી. જયદીપને વાળ પકડીને માર મારી ગાળો આપતી હતી. ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે એકલી રહેવા ચાલી ગઈ હતી. જોકે, બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી. શીતલ કહેતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકી પણ આપતી હતી. જેથી 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બંનેએ છૂટા છેડા લીધા હતા. દરમિયાન રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત 10 સ્ત્રી-પુરુષ મિત્રો સાથે મળી માર માર્યો હતો. આ તમામ ઘટનાથી જયદીપ હતાશ થઈ ગયો હતો અને તેના કારણે તે ઘરે આવ્યો ત્યારબાદ બહાર જઈ ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેણે તેના સબંધીઓને જાણ કરી હતી. ત્યાર બાદ પરિવારે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ત્યાં ટૂંકી સારવાર બાદ જયદીપનું મોત થયું હતું.
બનાવ અંગે ઉત્રાણા પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જયદીપની અંતિમ વિધી બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સુસાઈડ નોટ મળી હતી. તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલા બનાવેલા ત્રણ વીડિયો મળ્યા હતા. જેને લઇ પરિવારે આ બાબતની જાણ પોલીસને કરી હતી. ઉતરાણ પોલીસે સુસાઇડ નોટ અને વીડિયો કબજે લઈ તેના આધારે તેની પૂર્વ પત્ની શીતલ સહિત અન્ય 12 સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ કરી હતી.
જયદીપે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મમ્મી પાપા મને માફ કરજો, હું હારી ગયો છું. મારી લાઈફ બગાડી નાખી અને મે એને બોવ મોકા આપ્યા એણે મારી સાથે ખોટુ કર્યું, બધા એ ના પાડી છતાં મે એને પાછો મોકો આપ્યો અને તેણે મારી સાથે ગેમ રમી. મારા મરવા પાછળ બોવ બધા લોકો છે. પ્રનાલી, ટીના, રૂચિત, મોહસિન, રીચા, નિરવ, આયાન, કંચન, હીના, દેવલ, યુવી, હજી બીજા છે જેના નામ નથી ખબર. આ લોકોના લીધે મારી લાઈફ ખરાબ થઈ ગઈ અને મે બહુ બધુ સહન કર્યું. હવે મારામાં હિમ્મત નથી આ લોકો મને મારે છે આ મારા ફ્રેંડને પણ મારી નાખવાનું બોલ્યા છે. મારા પર ખોટા કેસ મારી વાઇફ પાસેથી કરાવ્યા હતા. મારા ઘરે આવીને મમ્મી પપ્પા બહેનને ધમકી આપે છે. મારામા હિમ્મત નથી મને મરવા સુધી મજબુર કરી હું હારી ગયો છું
આ કેસની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી યુ બારડ દ્વારા આરોપીઓને ઝડપી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે શીતલ રાઠવા અને તેનો પ્રેમી મોહસીન ટાઈગર નવસારી ખાતેની એક હોટલમાં છે. જેથી એક ટીમને નવસારી ખાતે રવાના કરવામાં આવી હતી અને શિતલ રાઠવા અને તેના પ્રેમી મોહસીન ઉર્ફે ટાઇગર હનિફભાઈ ને નવસારી ખાતેની એક હોટલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ તો ઉતરાણ પોલીસે આ સમગ્ર મામલે આ બંનેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
