<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

લગ્નમાં સોનાના દાગીનાની લેતી-દેતી પર સંપૂર્ણ પ્રતિબંધ જમણવારમાં છ થી વધુ વાનગીઓ નહીં : કચ્છમાં આહીર સમાજનો ક્રાંતિકારી નિર્ણય

કચ્છના લોડાઇ પ્રાથરીયા આહીર સમાજની પ્રશંસનીય પહેલ : જમણવારમાં છ થી વધુ વાનગીઓ રાખવા પર રૂપિયા 2.51 લાખનો દંડ

અમદાવાદ : લગ્ન સમારોહમાં થતા આડેધડ ખર્ચાઓ સામાન્ય પરિવારો માટે બોજારૂપ સાબિત થઈ રહ્યા છે. લાખો રૂપિયા તો માત્ર ભોજન સમારંભમાં જ ખર્ચાઈ જતા હોય છે. વળી, સમાજના રીતરિવાજોના નામે સોનાની લેતી-દેતી ગરીબ પરિવારોને દેવાના ઊંડા ખાડામાં ધકેલી દે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના લોડાઇ પ્રાથરીયા આહીર સમાજે એક પ્રશંસનીય અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે.

સમાજે હવે લગ્નમાં સોનાના દાગીનાની લેતી-દેતી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. હાલમાં સોનાના ભાવ આસમાને છે, ત્યારે દરેક પરિવાર માટે સોનાની લેતી-દેતી પોસાય તેમ નથી. સમાજના આગેવાનોનું માનવું છે કે વ્યવહાર અને રીતરિવાજોની જાળવણીમાં કોઈ આર્થિક રીતે નબળો આહીર પરિવાર મુશ્કેલીમાં ન મુકાય અને દેવામાં ડૂબી ન જાય તે માટે આ ઉમદા પગલું ભરવું જરૂરી હતું.

કચ્છ આહીર સમાજે આ ઉપરાંત પણ કેટલાક અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જે સમાજને નવી દિશા આપનારા સાબિત થઈ શકે છે. તેમાંનો એક મહત્વનો નિર્ણય જમણવારને લગતો છે. સમાજે નક્કી કર્યું છે કે લગ્નના જમણવારમાં છ થી વધુ વાનગીઓ રાખવા પર રૂપિયા 2.51 લાખનો દંડ કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ લગ્નોમાં થતા ખોટા ખર્ચાઓને નિયંત્રિત કરવાનો છે, જેથી દરેક પરિવાર પોતાની આર્થિક સ્થિતિ અનુસાર સરળતાથી લગ્ન કરી શકે. સમાજના આ પ્રગતિશીલ વિચારો અને નિર્ણયો અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

(1:01 PM IST)