News of Wednesday, 14th May 2025
૯ વર્ષની બાળકી અને ૯ વર્ષના બાળકને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કર્યાઃ આંસુનો દરિયો છલકાયો
પોલીસનુ આ બીજું રૂપ નિહાળી લોકો આફ્રિનઃ અમદાવાદ અને સુરતના વાયરલ કિસ્સાની વિશેષ વાતો : અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમની સરાહનીય કામગીરી : સલામત પુરા પોલીસ મથકના પીઆઇ કે. ડી. જાડેજા ટીમે ભૂખ્યા તરસ્યા રહી બાળકને માતાને સુપ્રત કરી, બે જોડી કપડા, જમવાનું અપાવ્યું : અનુપમસિહ ગેહલોત પણ સતત કાળજી લેતા હતા

રાજકોટ તા. આર્થિક રાજધાની જેવા અમદાવાદ અને સુરતને અઘોષિત યુદ્ધ વચ્ચે પોતાના BSF અનુભવ આધારે હજુ પણ હાઈ એલર્ટમાં અર્થાત્ ખબરદાર મોડમાં રાખનાર અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, અને સુરત સીપી કે જે ગુપ્તચર વડા તરીકે બહોળા અનુભવ આધારે આખી રણનીતિ ઘડે છે, તેઓ દ્વારા ગુન્હાહિત પ્રવળતિઓ પરથી પોલીસની નજર ન હટે અને માનવીય કાર્યો પણ યથાવત રહે તેવું અદભુત આયોજન ગોઠવ્યું છે. જેના પરિણામે પોલીસ સ્ટાફના આવા માનવીય કાર્યો માટે જાણીતા અધિકારી અને સ્ટાફને દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું છે.
અમદાવાદ શહેરના મણિનગર ખાતે આવેલ કાંકરીયા લેક ખાતે ફરવા આવતા લોકોની બેદરકારીના કારણે પોતાના બાળકો ગુમ થઈ જતા હોય છે, ગુમ થયેલા બાળકોને પોલીસ શોધીને આપે ત્યારે બાળકના માતા પિતાને પોલીસ દેવદૂત જેવી લાગે છે. તા. ૧૦.૦૫.૨૦૨૫ નાં રોજ પાલનપુરના અલીગઢ ગામના વતની વેપારી તૌસીફ એહમદ કડીવાલ પોતાના પરિવાર સાથે કાંકરિયા ખાતે ફરવા માટે આવેલ હતા. કાંકરિયા ખાતે ફરતા ફરતા પોતાની સાથે આવેલ દીકરી જેનાબ ઉવ. ૦૯ છૂટી પડી ગયેલ હતી. પાલનપુરથી ફરવા આવેલ પરિવાર બેબાકળો બની ગયેલ હતો અને આખા કાંકરિયામાં શોધખોળ ચાલુ કરેલ હતી. અમદાવાદ કાંકરિયા ફરવા આવેલ પાલનપુરના અલીગઢ ગામના વતની વેપારી તૌસીફ એહમદ કડીવાલના પરિવારની ફરવાની મજા મારી ગઈ હતી.
અમદાવાદ શહેરના એસીપી પ્રદીપસિંહ જાડેજા, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તથા કમાન્ડો વિજયભાઈ, પો.કો. અજયસિંહ, સહિતની ટીમ કાંકરિયામાં ફૂટ પેટ્રોલિંગમાં હતી અને આ વાતની જાણ તેઓને થતા, પેટ્રોલિંગ દરમિયાન એક દીકરી રડતી હોય, માણસો ભેગા થયેલા જોવા મળતા, આ દીકરી પાલનપુરના અલીગઢ ગામના તૌસીફ એહમદ કડીવાલની હોવાનું જણાતા, તૌસીફ એહમદ કડીવાલને બોલાવી, દીકરી જૈનાબને કમાન્ડો વિજયભાઈ તથા પો .કો. અજયસિંહ સાથે મોકલી, પરિવાર સાથે મિલન કરાવેલ હતું. પોતાની છૂટી પડી ગયેલ દીકરી જૈનાબને શોધી, અમદાવાદ શહેર પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને સમયસૂચકતા કારણે પરિવાર સાથે મિલન કરાવતા, કાંકરિયા લેક ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. દીકરીના પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે પણ પોતાના સંતાનોની સાર સંભાળ રાખવા સલાહ આપી હતી.
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ દ્વારા મળી આવેલ સગીર દીકરીને તેના પરિવારજનો સાથે મિલન કરાવી, સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.
આજ રીતે સુરતમાં લગ્નમાં આવેલ એક પરિવારની ૯ વર્ષની બાળક ગુમ થયાનું સલામતપૂરા પોલીસ મથકને જાણ થતા તમામ કામ પડતા મૂકી અને બાળકનો પતો ન લાગે ત્યાં સુધી ઘેર ન જવાના સંકલ્પ સાથે પીઆઇ કે. ડી.જાડેજા અને તમામ ટીમો બાળકીના ફોટા સાથે ઉતરી પડી હતી. એક ટીમ સીસીટીવી ફૂટેજ પણ ચકાસતી હતી. પોલીસ દ્વારા ૫ ટીમો કાર્યરત બની હતી. અનુપમસિહ ગેહલોત પણ આ બાળક જલ્દી મળે તે માટે તમામ અપડેટ મેળવતા હતા. આખરે લોક પ્રશ્ને હર હંમેશ જાગળત સલામતપુરા પોલીસ મથકે પોતાના પોલીસ મથકનું નામ સાર્થક કરી બાળક માતા પિતાને સુપ્રત કર્યું તે સમયે પોલીસ મથકમાં ભાવવાહી દૃશ્યો સર્જાયા. પોલીસે બાળકને નવા કપડા લેવા સાથે પ્રથમ બાળક ભૂખ્યું હોવાથી તેને સારી રીતે જમાડી પ્રેમથી તેડી આશ્વાસન અને હિંમત આપી. પોલીસની એક ખરડાયેલ છબી સાથે આ છબી પણ છે તે જાણી લોકો દ્વારા અમદાવાદ, સુરત બન્ને કિસ્સા ખૂબ વાયરલ થવા સાથે લોકો ખોબલે ખોબલે અભિનદન આપી રહ્યા છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
