News of Wednesday, 14th May 2025
૧૩ વર્ષના સગીર સાથે ભાગી ગયેલ શિક્ષીકાને ગર્ભપાત કરાવવા કોર્ટની મંજૂરી
સુરતની શિક્ષીકાએ કોર્ટની પરવાનગી માંગી'તીઃ મહિલાને પછી જેલમાં મોકલી દેવાશે

સુરત, તા.૧૪: સુરતના પૂણા વિસ્તારમાં રહેતાં ૧૩ વર્ષીય સગીરને તેને ટયૂશન કરાવતી અને ધોરણ ચારમાં વર્ગ શિક્ષિકા રહેલી ૨૩ વર્ષીય યુવતી ભગાડી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. તેની ધરપકડ સાથે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો.
આ શિક્ષિકાને ૨૦ અઠવાડિયાનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ ૨૦ અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા કોર્ટની પરવાનગી માંગી હતી.
આ સાથે પોલીસ અને ડોક્ટરનો પણ અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. આજે કોર્ટ સમક્ષ રજૂ થયેલા ડોક્ટરી રિપોર્ટમાં ડોક્ટરે ગર્ભપાત કરાવવું મહિલાના હિતમાં હોવાનું જણાવ્યું હતું.
ડિલીવરી સમયે આ શિક્ષિકા કૂપોષિત બાળકને જન્મ આપે તેવી શકયતા હોવાનું પણ રિપોર્ટમાં જણાવ્યું હતું.મેડિકલ રિપોર્ટના આ આધારે આજે પોક્સો કોર્ટના સ્પેશ્યલ જજ અને એડિશનલ સેશન્સ જજે બંને પક્ષોની દલીલો બાદ શિક્ષીકાને ગર્ભપાત કરાવવા માટે પરવાનગી આપી હતી. કોર્ટે સ્મીમેર હોસ્પિટલના સુપરિન્ટેન્ડેને આદેશ કરીને એક અઠવાડિયામાં તમામ મેડિકલ કાળજીની સાથે ગર્ભપાત કરાવવા કહ્યું હતું, ગર્ભપાત બાદ મહિલાની તબિયત સારી થાય ત્યારે તેને ડિસ્ચાર્જ કરીને લાજપોર જેલ મોકલવા પણ સૂચના અપાઈ હતી.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
