News of Wednesday, 14th May 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુનાખોરી ડામવા લોન્ચ કર્યા ત્રણ પોર્ટલ : પોલીસની કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ વધશે
"તેરા તુઝકો અર્પણ" સાયબર ક્રાઈમ રિફંડ પોર્ટલ, અનફ્રીઝ એપ્લિકેશન અને I-PRAGATI પોર્ટલથી નાગરિકોને મળશે સુવિધા : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લોન્ચિંગ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતા ત્રણ પોર્ટલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લોન્ચ કર્યા હતા. આ પોર્ટલ લોન્ચ થવાથી સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપતી ઓનલાઈન સુવિધાઓ 'ઈઝ ઓફ ગવર્નન્સ' અંતર્ગત મળતી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાયબર ક્રાઈમ રિફંડ પોર્ટલ "તેરા તુઝકો અર્પણ" નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત, નાણાંકીય સાયબર ક્રાઈમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઈન એપ્લિકેશન અને પોલીસમાં FIR દાખલ કરનાર ફરિયાદીને તપાસની પ્રગતિથી અપડેટ રાખતા I-PRAGATI પોર્ટલ પણ લોન્ચ કર્યા હતા.
I-PRAGATI પોર્ટલ: ઈ-ગુજકોપમાં તપાસના દરેક તબક્કે ફોર્મ ભરવાનું થતું હોય છે. હવે સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો તરફથી ઈ-ગુજકોપમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યારે FIR દાખલ કરતી વખતે, પંચનામું કરતી વખતે, આરોપીને અટક કરતી વખતે અને કેસની ચાર્જશીટ કરતી વખતે કામગીરી પૂર્ણ થાય ત્યારે ફરિયાદીને સિસ્ટમ જનરેટેડ SMS મળી જશે. આથી ફરિયાદી તપાસની પ્રગતિથી સંપૂર્ણપણે વાકેફ રહેશે.
સાયબર ક્રાઈમ રિફંડ પોર્ટલ "તેરા તુઝકો અર્પણ": સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરિકોએ ગુમાવેલા નાણાંને લોક અદાલત દ્વારા પરત અપાવવાની કામગીરી વધુ ઝડપી બને તેવા ઉદ્દેશ્યથી આ પોર્ટલ સાયબર ક્રાઈમ અમદાવાદ શહેર દ્વારા બનાવવામાં આવેલું છે. આ પોર્ટલથી નાગરિકો અને પોલીસ સ્ટેશન બંનેને ફાયદો થાય છે. ઓનલાઈન નોંધણી અને રીઅલ-ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગથી નાગરિકોને સરળ અને ઝડપી રિફંડ પ્રક્રિયા મળશે. FIR વિના સાયબર ગુનામાં ગુમાવેલા નાણાં પરત મેળવવાની સુવિધા મળશે. ઝડપી કોર્ટ આદેશ અને ઓટોમેટેડ પ્રક્રિયાથી નાગરિકોનો સમય બચશે. પોલીસ સ્ટેશનને ડેટાનું સચોટ ટ્રેકિંગ અને રીઅલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે. ઓટોમેશનથી રિફંડ પ્રક્રિયાના પત્રો આપોઆપ તૈયાર થશે.
અનફ્રીઝ એપ્લિકેશન: નાણાંકીય સાયબર ક્રાઈમને લગતી ફરિયાદ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર નોંધાવતા સામેવાળાના બેંક એકાઉન્ટ NCRP પોર્ટલ દ્વારા ફ્રિઝ કરવામાં આવે છે. રાજ્ય પોલીસ દ્વારા કાર્યરત થનારી આ અનફ્રીઝ ઓનલાઈન એપ્લિકેશનની મદદથી અરજદારે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાની અરજી માટે રૂબરૂ હાજર રહેવાની જરૂર નહીં પડે. અરજદાર ઓનલાઈન અરજી કરી અરજી નંબર મેળવી શકશે. અરજદાર પોતાના સંપર્ક નંબર અને વોટ્સએપ નંબર મારફતે ઘરેબેઠા અરજીનું સ્ટેટસ જાણી શકશે. ઈ-મેઈલ દ્વારા બેંક એકાઉન્ટ અનફ્રીઝ અંગેની જાણ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને દેશની સુરક્ષાનો અભિગમ અપનાવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, ગુજરાત સૌપ્રથમ રાજ્ય છે જેને સાયબર ક્રાઈમ સંબંધિત લીધેલા સિટીઝન સેન્ટ્રીક નિર્ણયો થકી અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે.
આ પોર્ટલ લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
