<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની સંવેદનશીલતા : છોટાઉદેપુરની દીકરીને ભૂલ સુધારીને અપાવ્યો ન્યાય : ખંડ નિરીક્ષકને નોટિસ

અન્ય બેઠક નંબર પર પરીક્ષા આપતા નાપાસ થયેલી વિદ્યાર્થીનીની સંપૂર્ણ તપાસ બાદ ધોરણ ૧૦માં પાસ જાહેર કરાઈ : સરકાર વિદ્યાર્થીઓના હિત માટે સતત પ્રયત્નશીલ

ગાંધીનગર: રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર અંત્યોદયની ભાવના સાથે સતત પ્રયત્નશીલ છે, તેમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામોમાં છોટાઉદેપુર જિલ્લાની એક દીકરીને નજીવી ભૂલના કારણે નાપાસ જાહેર કરવામાં આવી હતી, જેના કારણે તે ખૂબ જ નિરાશ થઈ હતી અને તેના ભવિષ્ય અંગે અસ્પષ્ટતા સર્જાઈ હતી.
આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્યાને આવતા તેમણે માનવીય અભિગમ દાખવીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાને યોગ્ય તપાસ કરી દીકરીને સંપૂર્ણ પારદર્શિતાથી ન્યાય આપવા સૂચના આપી હતી.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારની વિદ્યાર્થીની પરમાર અંકિશાબેને ગેરસમજણના કારણે પોતાના બેઠક નંબર ૭૩ના બદલે અન્ય બેઠક નંબર ૭૧ પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી. જેના કારણે પરિણામ જાહેર થતાં તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી અને તે નાપાસ થઈ હતી.
આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તાત્કાલિક યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિદ્યાર્થીનીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ ખોટા બેઠક નંબર પર. રાજ્ય સરકારે ન્યાયસંગત અભિગમ અપનાવતા ઉચ્ચ અધિકારીઓને તાકીદે સૂચના આપી સંબંધિત બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લેવડાવ્યો અને આ દીકરીનું સાચું પરિણામ જાહેર કર્યું. એટલું જ નહીં, તેને ધોરણ ૧૧માં પ્રવેશ માટેની તમામ પ્રક્રિયાઓ પણ સરળતાથી પૂર્ણ કરાવવામાં આવી.
વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કર્યા બાદ તે ધોરણ ૧૦માં પાસ થવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિદ્યાર્થીનીને સાચું પરિણામ આપ્યું હતું. આ ઘટના રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ પ્રત્યેની સહાનુભૂતિ, તટસ્થતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાયાધારિત દૃષ્ટિકોણનો સ્પષ્ટ પુરાવો છે. એક નાનકડી ભૂલના કારણે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય અંગે સરકારની માનવીયતા અને સર્વસામાન્યની ચિંતા આ નિર્ણયમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
આ ઘટનાના સંદર્ભમાં મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની સૂચનાથી સંબંધિત ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલ ફરીથી ન થાય તે અંગે તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. છેવાડાના જિલ્લાની દીકરીના શિક્ષણની ગંભીરતાને સમજીને ખૂબ જ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ ન બગડે તે માટેની વ્યવસ્થા કરવા બદલ અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

(4:10 PM IST)