<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ઉનાળામાં ગુજરાતના દરેક ગામડાને પીવાનું પૂરતું પાણી મળશે : મંત્રી ઋષિકેશભાઈ પટેલ

૬૪ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત : ૧૪,૮૯૫ MCFTની જરૂરિયાત સામે ૨.૨૩ લાખ MCFT જથ્થો ઉપલબ્ધ : ૨૦૭ જળાશયોમાં ગત વર્ષ કરતાં ૬ ટકા વધુ પાણીનો સંગ્રહ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રેસ-મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝન દરમિયાન ગુજરાતના નાગરિકોને પીવાનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ ૬૪ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પીવાના ૧૪,૮૯૫ MCFT પાણીની જરૂરિયાત સામે આ જળાશયોમાં ૨,૨૩,૪૩૬ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૪,૩૯,૧૨૯ MCFT પાણીનો સંગ્રહ છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૬ ટકા વધુ છે.
વધુ વિગતો આપતા ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું કે, હાલમાં રાજ્યના ૧૫,૭૨૦ ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. બાકીના ૨,૪૩૨ ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાઓથી પીવાનું પાણી મેળવી રહ્યા છે. આ ગામોને પણ જૂથ યોજનામાં આવરી લેવાના કામો પ્રગતિ હેઠળ છે. આમ, રાજ્યના તમામ ૧૮,૧૫૨ ગામોને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહ્યું છે.
પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ડેમોમાં ૧૫ જુલાઈ, ૨૦૨૫ સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત રાખ્યા બાદ બાકીના પાણીનો જથ્થો સિંચાઈ માટે વપરાય છે, તેમ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

 

(4:15 PM IST)