<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ગરીબો માટે કાનૂની સહાયની આવક મર્યાદામાં મોટો વધારો : હવે વાર્ષિક રૂ. 3 લાખ સુધીની આવક ધરાવતા લોકોને મફત સહાય મળશે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નિયમમાં સુધારો : નબળા વર્ગોને ન્યાય મેળવવામાં સરળતા રહેશે - પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ

ગાંધીનગર: રાજ્ય સરકારે ગરીબ અને નબળા વર્ગોના નાગરિકોને મફત અને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં મફત અને સક્ષમ કાનૂની સહાય દરેક નાગરિકનો અધિકાર છે અને આ દિશામાં રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે.
મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ-૧૯૯૭ના કાયદાની કલમ-૧૨ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો અને ઔદ્યોગિક કામદારો સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિઓને મફત કાનૂની સહાય મળવાપાત્ર છે. આ કાયદાના નિયમ-૨૦ મુજબ, અગાઉ કાનૂની સહાય મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા વર્ષ ૨૦૧૨માં સુધારો કરીને રૂ. એક લાખ કરવામાં આવી હતી.
હવે, રાજ્યના વધુમાં વધુ નબળા વર્ગના નાગરિકોને આ સેવાનો લાભ મળી શકે તે માટે રાજ્ય સરકારે ફરી એકવાર આ જોગવાઈમાં સુધારો કર્યો છે. કેબિનેટ બેઠકમાં આવક મર્યાદાને વધારીને વાર્ષિક રૂ. ત્રણ લાખ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, તેમ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઉમેર્યું હતું. આ સુધારાથી સમાજના મોટા વર્ગને મફતમાં કાનૂની સેવાઓ પ્રાપ્ત થશે અને સામાન્ય લોકોને પોતાના હક્કોના રક્ષણ માટે કાનૂની ઉપાયો સરળતાથી ઉપલબ્ધ થશે.

(4:28 PM IST)