News of Thursday, 15th May 2025
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું ગુંચવાયેલુ કોકડું ઝડપથી ઉકેલાશે :આવતા સપ્તાહે મળશે નવા પ્રમુખ
માહિતી પ્રમાણે નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગીની ક્વાયાત તેજ બની:ચૂંટણી અધિકારી ભુપેન્દ્ર યાદવ ગણતરીના દિવસોમાં ગુજરાત આવે તેવી સંભાવના

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું ગુંચવાયેલુ કોકડું બહુ ઝડપથી ઉકેલાઈ જાય તેમ લાગી રહ્યું છે. આગામી એક સપ્તાહની અંદર ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળે તે દિશામાં ક્વાયત તેજ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યુ છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષપદે સી. આર. પાટીલના અનુગામી તરીકે કોણ એ સવાલ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે અને ખુદ સી. આર. પાટીલ પણ બદલાવનો સંકેત આપી ચુક્યા છે પણ નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત સતત વિલંબમાં પડી રહી છે. ભાજપમાં સંગઠવ પર્વ પૂર્ણ થયા બાદ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરાશે તેવી ગણતરી હતી પરંતુ બાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ બનતા બધી બાબતો હાંસિયામાં ધકેલાઈ ગઈ. જોકે હવે બંને દેશો વચ્ચે માહોલ શાંતિપૂર્ણ થતાં વધુ એક વખત પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણુક અને મંત્રી મંડળ વિસ્તરણની વાતોએ જોર પક્ડયુ છે.
એક અનુમાન મુજબ આગામી સપ્તાહમાં નવા પ્રદેશ અધ્યક્ષ ગુજરાતને મળી શકે છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગીની ક્વાયાત તેજ બની છે. જે અંતર્ગત ચૂંટણી અધિકારી ભુપેન્દ્ર યાદવ ગણતરીના દિવસોમાં ગુજરાત આવે તેવી સંભાવના છે. ભુપેન્દ્ર યાદવ ગુજરાતમાં નવા પ્રદેશ અઘ્યક્ષની પસંદગી પૂર્ણ કરે ત્યારબાદ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તેની નવી ટીમ જાહેર કરશે.
પ્રદેશ અધ્યક્ષ અને નવું સંગઠન માળખુ જાહેર થયા બાદ રાજ્ય સરકારમાં મંત્રી મંડળ વિસ્તરણ અંગે પણ ક્વાયત હાથ ધરાય તેમ લાગી રહ્યુ છે. હાલ બની રહેલા સંજોગો જોતા ગુજરાતને એક સપ્તાહમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી જાય તેમ લાગી રહ્યુ છે. નવા પ્રદેશ અધ્યક્ષ પદે પાટીલના અનુગામી કોણ એ પ્રશ્નના જવાબમાં અનેક નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. જેમાં સહકારમંત્રી જગદીશ પંચાલ, સાંસદ મયંક નાયક સહિતના નેતાઓના નામનો સમાવેશ થાય છે.
એક અંદાજ પ્રમાણે ભાજપ ગુજરાતમાં મહિલા પ્રદેશ અધ્યક્ષનો પ્રયોગ પણ કરી શકે. જોકે આ તમામ માત્ર અટકળો છે. જ્યારે મોદી-શાહની જુગલ જોડી જ્યારે પણ કોઈ પણ પદ પરના નામ જાહેર કરે છે ત્યારે હંમેશા તે નામ સરપ્રાઈઝ તરીકે જ સામે આવ્યું છે અને આ વખતે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષપદે કોઈ નવું જ નામ જાહેર થાય તેવી સંભાવનાઓ નકારી શકાતી નથી
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
