<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ ૧૭મી મેથી જિલ્લા કક્ષાએ મળશે : ૧૯મીથી વિદ્યાર્થીઓને વિતરણ

ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ વિતરણની તારીખો જાહેર : શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી મેળવી લેવાની રહેશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી અનુસાર ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૫માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને GSOS ઉમેદવારો)નું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. હવે બોર્ડ દ્વારા આ પરીક્ષાની માર્કશીટ, પ્રમાણપત્ર અને સ્કૂલ રેકોર્ડ (S.R.) તેમજ GSOS ઉમેદવારોના પરિણામ (માર્કશીટ/પ્રમાણપત્ર/S.R./એનરોલમેન્ટ સર્ટિફિકેટ)ના વિતરણ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે.
બોર્ડની અખબારી યાદી અનુસાર, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ/પ્રમાણપત્ર/S.R. અને GSOS ઉમેદવારોના પરિણામ (માર્કશીટ/પ્રમાણપત્ર/S.R./એનરોલમેન્ટ સર્ટિફિકેટ) તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા નિયત કરવામાં આવેલા વિતરણ સ્થળ ખાતે તા.૧૬/૦૫/૨૦૨૫ના રોજ બોર્ડની કચેરીથી રવાના કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારીઓએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ/પ્રમાણપત્ર/S.R. તેમજ GSOS ઉમેદવારોના પરિણામનું વિતરણ કરવા માટે યોગ્ય આયોજન કરવાનું રહેશે, જેથી તા.૧૭/૦૫/૨૦૨૫ના રોજ જિલ્લાની તમામ સામાન્ય પ્રવાહની શાળાઓને પરિણામનું વિતરણ થઈ જાય.
રાજ્યની તમામ સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યઓએ પોતાની શાળાનું પરિણામ (માર્કશીટ/પ્રમાણપત્ર/S.R./એનરોલમેન્ટ સર્ટિફિકેટ) અધિકૃત પત્ર (મુખત્યારપત્ર) રજૂ કરીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિયત કરવામાં આવેલા સમયે અને સ્થળેથી મેળવી લેવાના રહેશે.
બોર્ડ દ્વારા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓએ તા.૧૯/૦૫/૨૦૨૫ના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે. જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને તમામ સંબંધિતોએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ માહિતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવી છે.

(6:29 PM IST)