<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ગુજરાતમાં બાળકો માટે સમર યોગ કેમ્પનો પ્રારંભ : ૨૦૦ કેન્દ્રો પર ૨૦,૦૦૦થી વધુ બાળકો લેશે ભાગ

રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૬થી ૩૦ મે દરમિયાન નિઃશુલ્ક કેમ્પનું આયોજન : બાળકોને યોગ, પ્રાણાયામ, ધ્યાન અને પૌષ્ટિક આહારની તાલીમ અપાશે

ગાંધીનગર : ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો શુભારંભ ૧૬ મે, ૨૦૨૫થી થશે અને તે ૩૦ મે, ૨૦૨૫ સુધી ચાલશે. રાજ્યના ૨૦૦ જેટલા સ્થળો પર આ નિઃશુલ્ક યોગ કેમ્પ યોજાશે, જેમાં ૭ થી ૧૫ વર્ષની વયના ૨૦,૦૦૦થી વધુ બાળકો ભાગ લે તેવી સંભાવના છે.
આ સમર યોગ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સંસ્કાર, નિયમિત જીવનશૈલી, યોગ્ય આહાર અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જેથી બાળકો નાનપણથી જ યોગને પોતાના જીવનમાં અપનાવે અને ભવિષ્યમાં એક સ્વસ્થ અને આદર્શ નાગરિક બને. ગત વર્ષે પણ બોર્ડ દ્વારા આ જ રીતે સફળતાપૂર્વક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ કેમ્પ દરમિયાન બાળકોને યોગના વિવિધ આસનો, પ્રાણાયામ, ધ્યાન અને યોગ્ય જીવનશૈલી વિશે નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને યોગ માહિતી પુસ્તિકા, કેપ અને રમત સાથે યોગની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. સાથે જ, તેમને પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. બાળકોમાં યોગની સમજણ વધુ સારી રીતે વિકસે તે માટે અત્યંત નવીન રીતે યોગ ચિત્રપોથી પ્રવૃત્તિનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં બાળકો યોગ આસનો અને પ્રાણાયામના ચિત્રોમાં રંગ ભરીને યોગ વિશે જાણકારી મેળવશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાતો બાળકોને યોગના મૂળભૂત તત્વો અને તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપશે. જેનાથી બાળકો પોતાના રોજિંદા જીવનમાં યોગને અપનાવીને સ્વસ્થ, સંતુલિત અને તંદુરસ્ત જીવનશૈલી વિકસાવી શકશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રોત્સાહનથી રાજ્યના દરેક બાળક સુધી યોગનો સંદેશ પહોંચાડવા માટે બોર્ડ પ્રતિબદ્ધ છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તમામ માતા-પિતા અને વાલીઓને અપીલ કરે છે કે તેઓ તાત્કાલિક બોર્ડની વેબસાઈટ www.gsyb.in પર પોતાના બાળકોનું નામ નોંધાવે અને તેમના આરોગ્યમય ભવિષ્ય માટે યોગની આ સુંદર યાત્રાની શરૂઆત કરે. ચાલો સૌ સાથે મળીને ગુજરાતને આરોગ્યમય, તંદુરસ્ત અને યોગમય રાજ્ય બનાવવા માટે સંકલ્પ લઈએ.

 

(7:32 PM IST)