<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

વસ્ત્રાપુરમાં બંગલામાં ઘૂસીને દંપતીને બંધક બનાવીને ચલાવી લાખોની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર : સનસનાટી

વૃદ્ધ દંપતિને ઘરમાં અજાણ્યા ત્રણ લૂંટારુ બંગલામાં ઘૂસી બંધક બનાવી લાઈટવાળા ચપ્પુ બતાવીને ઘરના દાગીના અને રોકડા મળી કુલ 1.31 લાખની લૂંટ ચલાવી

અમદાવાદમાંથી એક સનસનીખેજ લૂંટના સમાચાર સામે આવ્યા છે, અહીં એક વૃદ્ધ દંપતિને ઘરમાં અજાણ્યા ત્રણ ઇસમો બંગલામાં ઘૂસી બંધક બનાવ્યા હતા.અને લાઈટવાળા ચપ્પુ બતાવીને ઘરના દાગીના અને રોકડા મળી કુલ 1.31 લાખની લૂંટ ચલાવી હતી.લૂંટારૂ ટોળકી દંપતિના ઘરમાથી રોકડ સહિત સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા, દંપતિએ આ બનાવ બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ ટીમો બનાવી આ મામલે તપાસ કરી રહી છે

થલતેજના નીરાંત પાર્ક સોસાયટીમાં રહેતા ડૉ. મધુસુદન પટેલ અને તેમની પત્ની વીણાબેન પર 14 મેની મધરાતે કાળ જેવી ઘડી આવી. રાત્રિના લગભગ 3:30 વાગ્યાની આસપાસ ત્રણ અજાણ્યા ઇસમોએ ઘરના ધાબાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.માસ્ક પહેરેલા ત્રણે ઇસમો સીધા બેડરૂમમાં ઘુસી આવ્યા, જ્યાં વીણાબેન જાપમાં લીન હતાં. ચોરોને જોઈ તેમણે બુમાબુમ કરતા જ ડૉ. પટેલ પણ જાગી ગયા. ત્રણે લૂંટારૂઓએ ડોકટર દંપતીને લાઈટવાળા ચપ્પુ બતાવી ધમકી આપી “ચુપ રહો નહીં તો જાન લઇશુ!”

ચોર ટોળકીએ વૃદ્ધ વીણાબેન પાસે લોખંડની તિજોરી ખોલાવડાવી અને તેમાં રહેલા કિંમતના દાગીના તથા રોકડા મળી કુલ રૂપિયા 1,31,100ની લૂંટ ચલાવી. લૂંટમાં ડાયમંડ જડિત ચાંદીની બંગડીઓ, સોનાની બુટ્ટી, ઘડિયાળ, મોતીની માળા અને ઈમીટેશન હારનો સમાવેશ થાય છે. લૂંટ બાદ ત્રણે ઈસમોએ ધમકી આપી કે જો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરશો તો ફરીથી આવીને મારી નાખીશું

આ ઘટના બાદ ડૉ. પટેલે તરત જ તેમના દામાદ ડૉ. જીગર શાહને જાણ કરી. CCTV ફૂટેજ ચેક કર્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે

 

(10:11 PM IST)