News of Friday, 16th May 2025
ભારતમાં પ્રથમ દેશી ગૌવંશ યુનિવર્સિટીની સ્થાપના : 'ગૌ વિશ્વ વિદ્યાપીઠમ્'ના પ્રથમ કુલગુરુ તરીકે જામનગરના ડો. હિતેશ જાની નિયુક્ત
ગાંધીનગર ખાતે ૧૭મી મેના રોજ સ્થાપના : પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રીવાબા જાડેજા સહિતના એડવાઇઝરી બોર્ડની રચના

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર, તા. ૧૬ મે, ૨૦૨૫: ભારત દેશમાં પ્રથમ વખત દેશી ગૌવંશ માટેની એક વિશિષ્ટ યુનિવર્સિટીની સ્થાપના થવા જઈ રહી છે. આગામી તા. ૧૭ મે, ૨૦૨૫ ને શનિવારના રોજ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 'ગૌ વિશ્વ વિદ્યાપીઠમ્'ની સ્થાપના કરવામાં આવશે. આ યુનિવર્સિટીના પ્રથમ કુલગુરુ તરીકે જામનગરના જાણીતા આયુર્વેદાચાર્ય ડો. હિતેશ જાનીની નિયુક્તિ કરવામાં આવી છે. ડો. જાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ છે અને હાલમાં તેઓ ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે.
આ ઉપરાંત, 'ગૌ વિશ્વ વિદ્યાપીઠમ્'ના એડવાઇઝરી બોર્ડની પણ રચના કરવામાં આવી છે, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા જેવા અનુભવી નેતાઓનો સમાવેશ થાય છે. જામનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજાની પણ આ બોર્ડમાં પસંદગી કરવામાં આવી છે, જે જામનગર માટે ગૌરવની વાત છે. અન્ય સભ્યોમાં રાજકોટના ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ઇનોવેટિવ ફોરમના શ્રી એસ.એન. ડાંગાયાચ, કડી સર્વ વિદ્યાપીઠના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી મનોજભાઈ સોલંકી અને કચ્છના શ્રી પરબત ગોરસીયાનો સમાવેશ થાય છે.
'ગૌ વિશ્વ વિદ્યાપીઠમ્'ના ઉદ્ઘાટન સમારોહમાં ગૌસેવા ગતિવિધિના અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ શ્રી કે.એન. રાઘવનજી (ચેન્નાઈ), નાગપુર ગૌવિજ્ઞાન સંસ્થાનના શ્રી સુનીલ માનસિંહકા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ યુનિવર્સિટી દેશી ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને તેના વૈજ્ઞાનિક અભ્યાસ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે, તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
