<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

સુરત: ચોમાસા પહેલા ટ્રાફિક પોલીસની પ્રી-મોન્સૂન કામગીરી શરૂ : ટ્રાફિક સમસ્યા નિવારવા મનપા સાથે સંકલન

વિકાસકામોને પગલે સાંકડા રસ્તા અને ડાયવર્ઝનના કારણે ચોમાસામાં વાહન ફસાય નહીં તે માટે સર્વે શરૂ : રસ્તાઓ તાત્કાલિક ક્લિયર કરવા પોલીસ કમિશનરના આદેશ

 

 

સુરત: આગામી ચોમાસાની શરૂઆત પહેલાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરે નહીં તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસે કમર કસી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મહાનગરપાલિકા કમિશનર અગ્રવાલ સાથે સંકલન કરીને ચોમાસા પહેલાં શહેરના રસ્તાઓને ક્લિયર કરવા માટે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ ઝોનમાં ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મળીને રોડ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મેટ્રો પ્રોજેક્ટ, ઓવરબ્રિજ અને ડ્રેનેજ તેમજ પાણીની પાઇપલાઇનના વિકાસલક્ષી કામો ચાલી રહ્યા છે. જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ સાંકડા થઈ ગયા છે અને કેટલાક સ્થળોએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખોદકામને કારણે રસ્તાઓ પર મોટા ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાહનો ફસાઈ જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે સક્રિયતા દાખવી છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મહાનગરપાલિકાના કમિશનર સાથે સંકલન કરીને તાત્કાલિક અસરથી રસ્તાઓ પરના ખોદકામ પૂરી દેવા અને ચોમાસામાં રસ્તા બેસી જવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય તેવા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત, વિકાસલક્ષી કામોમાં મૂકવામાં આવેલા બેરિકેટ્સને પણ જરૂરિયાત મુજબ હટાવવાની સૂચના આપવામાં આવી છે.
વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા શહેરોમાંના એક સુરતમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટને કારણે રોડ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ અને સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલા કામોને કારણે શહેરના કોર વિસ્તારમાં અવરજવર કરતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. મેટ્રો અને ઓવરબ્રિજના કામોને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે.
આ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગુરુવારે બપોરે ટ્રાફિક ડીસીપી અને તેમના એસીપી સહિત મહાનગરપાલિકાના અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કર્યો હતો. સામાન્ય રીતે પ્રી-મોન્સૂન કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે શહેર પોલીસે પણ આ કામગીરીમાં સક્રિયપણે જોડાઈને શહેરીજનોને ચોમાસામાં ટ્રાફિકની સમસ્યાથી બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ખુદ ટ્રાફિક ડીસીપી પોતાના અધિકારીઓ સાથે તડકામાં ફરીને ટ્રાફિક સર્વે કરી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે, જેથી શહેરીજનોને ટ્રાફિક જામમાં વધુ સમય સુધી ઊભા ન રહેવું પડે. આ માટે શહેર પોલીસ કમિશનર અને મહાનગરપાલિકા કમિશનર દ્વારા જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

(2:39 PM IST)