<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

GMERS સોલાનો નવતર અભિગમ : વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૧,૨૫૫ દર્દીઓને સ્પીચ થેરાપી પૂરી પાડી

દૂર-દરાજના બાળકોને અમદાવાદ આવ્યા વિના નજીકના કેન્દ્રો પર જ ઓનલાઈન સારવાર ઉપલબ્ધ : ટેલિ-રીહેબીલેશન હબ દ્વારા સાંભળવાની અને બોલવાની તકલીફ ધરાવતા દર્દીઓને લાભ

અમદાવાદ: ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) સંલગ્ન સોલા હોસ્પિટલ-અમદાવાદ દ્વારા રાજ્યમાં પ્રથમવાર ટેલિ-રીહેબીલેશન હબ કાર્યરત કરવામાં આવ્યું છે. આ હબના માધ્યમથી છેલ્લા સાત મહિનામાં સોલા હોસ્પિટલના નિષ્ણાંતોએ રાજ્યના દૂર-દરાજના ૧,૨૫૫ જેટલા દર્દીઓને ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્પીચ (બોલવાની), હીયરીંગ (સાંભળવાની) અને લેન્ગવેજ (ભાષા) થેરાપી પૂરી પાડી છે.
ગત વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે આ ટેલિ રીહેબીલેશન હબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પીચ, હીયરીંગ અને લેન્ગવેજ પેથોલોજી સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓને ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સરળતાથી થેરાપી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.
અગાઉ, સ્પીચ, હીયરીંગ અને લેન્ગવેજની તકલીફ ધરાવતા રાજ્યના દૂરના ગામોના બાળકોને દરરોજ અમદાવાદ ખાતે ઓડીયોલોજી કોલેજમાં થેરાપી માટે આવવું પડતું હતું. આ સમસ્યાના નિવારણ માટે ટેલિ રીહેબીલેશન હબ દ્વારા આવા બાળકોને તેમના નજીકના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) પર જ વિડીયો કોન્ફરન્સ દ્વારા થેરાપી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં દાહોદ, કચ્છ, વેરાવળ, પોરબંદર, મહેસાણા, ગીર સોમનાથ, ગોધરા, સુરત, વડોદરા, નર્મદા, માણસા અને સાણંદ ખાતે DEIC કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી બાળકો આ સુવિધાનો લાભ લઈ શકે છે.
રાજ્ય સરકારના આ સફળ આયોજનથી બાળ દર્દીઓને હવે તેમના ઘરની નજીકના કેન્દ્રો પર જ સોલા હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓડીયોલોજી અને સ્પીચ લેન્ગવેજની થેરાપી મળી રહી છે. ઓક્ટોબર-૨૦૨૪ થી એપ્રિલ-૨૦૨૫ સુધીના સમયગાળામાં કુલ ૧,૨૫૫ જેટલા દર્દીઓએ આ વર્ચ્યુઅલ માધ્યમથી સ્પીચ, હીયરીંગ અને લેન્ગવેજને લગતી થેરાપી મેળવી છે, જે દર્શાવે છે કે આ પહેલ ખૂબ જ સફળ રહી છે અને અનેક પરિવારોને રાહત મળી છે.

 

(4:12 PM IST)