News of Saturday, 17th May 2025
આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ : ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિને ઉજાગર કરતા અભૂતપૂર્વ મ્યૂઝિયમોનું નિર્માણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકાર કરતું ગુજરાત : વડનગરથી માંડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીના વિશિષ્ટ સંગ્રહાલયો વિશ્વભરમાં રાજ્યની ઓળખ બની રહ્યા છે

ગાંધીનગર, ૧૭ મે, ૨૦૨૫: ૧૮ મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાત રાજ્ય છેલ્લા અઢી દાયકામાં પોતાના સમૃદ્ધ ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિને જાળવી રાખતા અને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરતા અનેક અભૂતપૂર્વ મ્યૂઝિયમોના નિર્માણ સાથે આ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ગુજરાતમાં નિર્મિત આ વિશિષ્ટ સંગ્રહાલયો દ્વારા સાકાર કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મ્યૂઝિયમની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું છે કે, “મ્યૂઝિયમ હકીકતો અને પુરાવાઓ આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે. તે આપણને ભૂતકાળમાંથી પ્રેરણા પૂરી પાડે છે, અને ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો પ્રત્યે આપણને સભાન કરે છે.” તેમના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં અનેકવિધ મ્યૂઝિયમોનું નિર્માણ થયું છે, જે રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી રહ્યા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વડનગર ખાતે ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું છે, જે આ પ્રાચીન શહેરના ભવ્ય ઇતિહાસને પ્રદર્શિત કરે છે.
આ વર્ષના આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસની થીમ ‘ધ ફ્યુચર ઑફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કોમ્યુનિટીઝ’ છે, જે ઝડપથી બદલાઈ રહેલા સમુદાયોમાં મ્યૂઝિયમના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં નિર્મિત કેટલાક વિશિષ્ટ મ્યૂઝિયમો વિશે માહિતી જોઈએ:
વડનગર ખાતે ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યૂઝિયમ: ૧૩,૫૨૫ ચોરસ મીટરમાં ફેલાયેલું આ મ્યૂઝિયમ વડનગરના ૨૫૦૦ વર્ષથી વધુ જૂના ઇતિહાસ અને માનવ ઉત્ક્રાંતિને ૯ થીમેટિક ગેલેરીઓ દ્વારા પ્રદર્શિત કરે છે, જેમાં ૭૦૦૦થી વધુ પુરાતત્વીય કલાકૃતિઓ છે.
વિશ્વના ૭ સૌથી સુંદર મ્યૂઝિયમોમાં સામેલ ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક: ૪૭૦ એકરમાં ફેલાયેલું આ સ્મારક ૨૦૦૧ના ભૂકંપના પીડિતોની યાદમાં બનાવવામાં આવ્યું છે. અહીં વિશાળ મિયાવાકી જંગલ, ૫૦ ચેકડેમ અને પીડિતોના નામની તકતીઓ છે. ભૂકંપની અનુભૂતિ કરાવતું વિશેષ થિયેટર અને યુનેસ્કો દ્વારા સુંદર મ્યૂઝિયમોની યાદીમાં સ્થાન પામ્યું છે.
દાંડી કુટિર, ગાંધીનગર: ૪૧ મીટરનો શંકુ આકારનો ગુંબજ મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત હાઇટેક મ્યૂઝિયમ છે. ૩D મેપિંગ, હોલોગ્રાફી અને ૩૬૦ ડિગ્રી પ્રોજેક્શન જેવી ટેકનોલોજી દ્વારા ગાંધીજીના જીવનને દર્શાવે છે.
શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલ, માંડવી: ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્માના જીવન અને આઝાદીની લડતના ઇતિહાસને દર્શાવતું આ સ્મારક લંડનના ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ પણ ધરાવે છે.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યૂઝિયમ, કેવડિયા: સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નીચેના ભાગમાં આવેલું આ મ્યૂઝિયમ ઑડિઓ-વિઝ્યુઅલ પ્રદર્શનો, હોલોગ્રામ અને આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે.
શ્રીસ્થળ સંગ્રહાલય, સિદ્ધપુર: બિંદુ સરોવર સંકુલ નજીક આવેલું આ મ્યૂઝિયમ સિદ્ધપુરના વૈભવી ઇતિહાસને ત્રણ ગેલેરીઓ દ્વારા રજૂ કરે છે.
નિર્માણાધીન લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ: પાંચ હજાર વર્ષ પહેલાંના ભારતના સમુદ્રી વારસાને જીવંત કરતું આ હેરિટેજ કોમ્પ્લેક્સ ૧૪ ગેલેરીઓ અને ચાર થીમ પાર્ક ધરાવશે.
આ ઉપરાંત, આગામી સમયમાં ગુજરાતમાં મ્યૂઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઇન્ડિયા, ગુજરાત વંદના મ્યૂઝિયમ, નેશનલ ટ્રાયબલ મ્યૂઝિયમ, વીર બાળક ઉદ્યાન, તાના રીરી મ્યુઝિક મ્યૂઝિયમ, દ્વારકા સંગ્રહાલય અને શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યૂઝિયમ જેવા વિશિષ્ટ સંગ્રહાલયોનું નિર્માણ થનાર છે. રાજ્ય સરકાર જૂના મ્યૂઝિયમોને પણ આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવા માટે કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પોતાના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જતન કરીને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
