News of Saturday, 17th May 2025
ગુજરાતમાં 16 આની એટલે કે સવાસો ટકાની આસપાસ ચોમાસુ રહેવાની શક્યતા : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહીકારોના સંમેલનમાં 50 થી વધારે હવામાન આગાહીકારો એકત્ર
જેમાં કોઇ જ્યોતિષ દ્વારા, કોઇ પ્રાકૃતિક સંકેતો દ્વારા, કોઇ નક્ષત્રો દ્વારા અલગ અલગ પદ્ધતિથી વાતાવરણનો તાગ મેળવનારા આગાહીકારોને આમંત્રીત કરવામાં આવ્યા હતા

અમદાવાદ તા.૧૭ : ગુજરાત સહિત દેશમાં ચોમાસું કેવું રહેશે તે અંગીનો વર્તારો મેળવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહીકારોનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધારે હવામાન આગાહીકારો એકત્ર થયા હતા. જેમાં કોઇ જ્યોતિષ દ્વારા, કોઇ પ્રાકૃતિક સંકેતો દ્વારા, કોઇ નક્ષત્રો દ્વારા અલગ અલગ પદ્ધતિથી વાતાવરણનો તાગ મેળવનારા આગાહીકારોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગનાં આગાહીકારોનો અંદાજ હતો કે, ચોમાસુ આ વર્ષે 100 ટકા કરતા વધારે રહેશે. 16 આની ચોમાસું રહેશે. 12 આની એટલે 100 ટકા માનવામાં આવે છે. તેથી 16 આની એટલે કે સવાસો ટકાની આસપાસ ચોમાસુ રહેવાની શક્યતા છે.
જો કે આગાહીકારોનું માનવું હતું કે, વરસાદ વધારે પડશે પરંતુ તોફાની વરસાદ રહેવાની સાથે સાથે વિજળી પડવાની ઘટનાઓમાં પણ વધારો થશે. ઘણા વર્ષોથી નહી પડી હોય તેટલી વીજળી પડશે જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થશે. આ ઉપરાંત વરસાદ તો વધુ પડશે પરંતુ ચોમાસુ તોફાની રહેવાના કારણે પાકને નુકસાન પણ તેટલું જ થશે. જેથી ખેડૂતોને ધાર્યા પરિણામ નહી મળે તેવું પણ કેટલાક આગાહીકારોનું કહેવું હતું.
સિઝનમાં ટોટલ 48-52 ઇંચ વરસાદ પડશે અને 13 આની વરસાદની આગાહી એક પ્રાકૃતિશાસ્ત્રીએ કરી હતી. તેમણે જો કે પાક અંગે ચોંકાવનારી આગાહી કરી હતી. તેમણે કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં વરસાદની ખેંચ પડશે. જેના કારણે પાક 100 ટકા નહી પરંતુ 70 થી 80 ટકા જ થશે. તમામ આગાહીકારો એક બાબતે સંમત થયા કે વરસાદ વધુ પડશે પરંતુ તોફાની પડશે જેના કારણે પાકને નુકસાન જરૂર થશે. આ ઉપરાંત બે તોફાન પણ આવે તેવી શક્યતા છે. ઓગસ્ટની આસપાસનાં દિવસોમાં વરસાદની ખેંચ પડી જાય તેવી પણ શક્યતા છે. ઓક્ટોબરમાસમાં ચોમાસું વિદાય લેશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
