<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

વડોદરાના હરણી બોટકાંડમાં પીડિત પરિવારને ન્યાયને બદલે નોટિસ :દીકરી ગુમાવનાર સરલા શિંદેને પણ ઘર ખાલી કરવાની નોટિંસ મળી

વડોદરામાં પાણીગેટ નજીકના વિસ્તારમાં રહેતા 200 જેટલા લોકોને દબાણની નોટિસ ફટકારી

વડોદરામાં 18 જાન્યુઆરી 2024માં એક હરણી બોટકાંડની ઘટના બની હતી. જેમાં 12 માસૂમ બાળકો સહિત 14 લોકો મોતને ભેટ્યા હતાં. આ દુર્ઘટનાના ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા ત્યારે હજુ સુધી પીડિત પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે. હવે પીડિતમાંથી એક પરિવારને ન્યાન તો દૂર પણ તેના સ્થાને ઘર ખાલી કરવાની નોટિસ મળી છે.

  તાજેતરમાં  વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમ માટે પહોચ્યાં હતા. જ્યાં તેઓનું સંબોધન ચાલી રહ્યું હતું તે દરમિયાન જ હરણી બોટકાંડમાં પોતાના બાળકો ગુમાવનાર બે મહિલા બોટકાંડ મુદ્દે ઉગ્ર રજૂઆત કરીને મુખ્યમંત્રી સામે ન્યાયની માગ કરી હતી. જો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ મહિલાને બેસાડી દીધી હતી.

  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ તેમને ચોક્કસ એજન્ડા થકી આવી હોવાનું કહીને બેસી જવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આવા વલણ સામે પોતાનો આક્રંદ વ્યક્ત કરતા પીડિતાએ કહ્યું હતું કે, 'શું અમે આતંકવાદી છીએ? શું અમે ગુનેગારો છીએ? અમારો વાંક એટલો જ છે કે અમે અમારા બાળકો ગુમાવ્યા છે

આ પછી બંને મહિલાઓને ચાલુ કાર્યક્રમમાંથી બહાર લઈ જવાઈ હતી. બંને મહિલા અને તેમના પતિની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત પણ કરી હતી. બાદમાં પૂછપરછ કરીને તેમને મુક્ત પણ કરી દેવાઈ હતી. જો કે સરકાર પણ પીડિતાનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ બોટકાંડમાં પોતાના બાળકોને ગુમાવનાર મહિલાને ન્યાય તો ન મળ્યો પણ હવે નોટિસ મળી છે.

વડોદરામાં પાણીગેટ નજીકના વિસ્તારમાં રહેતા 200 જેટલા લોકોને દબાણની નોટિસ મળી છે જેમાં હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનાર સરલા શિંદેને પણ ઘર ખાલી કરવાની નોટિંસ આપી છે. તેઓને મકાનના પૂરાવા રજૂ કરવાની મુદ્દત આપી છે.

જો પૂરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો નક્કી દીકરી તો ગુમાવી પણ હવે છત પણ ગુમાવવાનો વારો આવશે. જોકે વડોદરાના સાંસદે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે નહીં જોડાયેલા હોય અને ભારતીય નાગરિક હશે તો તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

 

(6:54 PM IST)