<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

GPSCની પરીક્ષા પદ્ધતિને લઈ વિવાદ વચ્ચે ડ્રગ ઇન્સ્પેક્ટરના બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ : હસમુખ પટેલે આપી માહિતી

ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા તેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરેલ છે જે ઇન્ટરવ્યૂ ફરી લેવાશે તારીખ હવે જાહેર કરવામાં આવશે:હસમુખ પટેલ

ગાંધીનગર : GPSCની પરીક્ષા પદ્ધતિને લઈ વિવાદ વચ્ચે હવે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવી રહેલી ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.

હાલ તાજેતરમાં ચાલી રહેલ ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂને લઈ ચેરમેન હસમુખ પટેલે X પર મોટી અપડેટ આપી છે. આ અપડેટ મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના ચેરમેન હસમુખ પટેલે X પર લખ્યું કે, ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયેલ છે. આજે સાંજે આયોગના ધ્યાન પર આવેલ છે કે, ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા.‌ તેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરેલ છે જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે તારીખ હવે જાહેર કરવામાં આવશે

આ સાથે તેમણે કહ્યું કે, ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં એક તજજ્ઞ આ ભરતીના સરદાર ધામ ખાતે મોક ઇન્ટરવ્યૂમાં ગયેલાનું ધ્યાન માં આવતા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂ રદ કરવા પડ્યા છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનુ અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે. ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યૂ વિશે વિગતવારની સૂચનાઓ ટૂંક સમયમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે.

 

(9:09 PM IST)