News of Sunday, 18th May 2025
ગુજરાતમાં ડ્રગ્સ સામે સરકારની આક્રમક કાર્યવાહી : ચાર મહિનામાં ₹૪.૧૪ કરોડનું ડ્રગ્સ જપ્ત : ૨૫ પેડલર્સ અને કાર્ટેલની ધરપકડ
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ૨૪ કલાકમાં અમદાવાદ, પાટણ અને સુરતમાં વધુ ત્રણ NDPS કેસ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે રાજ્ય સરકારે સઘન ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસ સ્ટેશનને વિશેષ સત્તાઓ મળ્યા બાદ માત્ર ચાર મહિનાના ટૂંકા સમયગાળામાં જ મોટી સફળતા મળી છે. SMC દ્વારા અત્યાર સુધીમાં NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના ૧૨ મોટા કેસો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા કુલ ₹૪.૧૪ કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ૨૫ ડ્રગ કાર્ટેલ તેમજ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં બે નાઈજિરિયન નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
આ સફળતાની કડીરૂપે, આજે SMC પોલીસ સ્ટેશનની ટીમે વધુ કાર્યવાહી કરતાં અમદાવાદના જુહાપુરા, પાટણ શહેર અને સુરત શહેરમાં NDPSના ત્રણ નવા કેસો નોંધ્યા છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરી રહેલા SMCના વડા નિરલિપ્ત રાય અને તેમની સમર્પિત ટીમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણાયક પગલાં રાજ્યને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવાના અમારા ધ્યેયને વધુ મજબૂત બનાવશે. અમારો સંકલ્પ છે કે રાજ્યમાં એક ગ્રામ જેટલું ડ્રગ્સ પણ ન મળવું જોઈએ. SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી છટકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર ઝીણવટભરી નજર રાખીને ડ્રગ્સ માફિયાઓના મૂળ સુધી પહોંચવાનું જે શાનદાર કાર્ય કર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે અને આ લડાઈ ભવિષ્યમાં પણ અવિરતપણે ચાલુ રહેશે.”
ઉલ્લેખનીય છે કે અગાઉ SMC મુખ્યત્વે દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટાબાજી જેવા ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. પરંતુ, હવે SMCને એક અલગ પોલીસ સ્ટેશન તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે અને તેને સંગઠિત ગુનાઓ પર નિયંત્રણ લાવવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ડ્રગ્સની હેરાફેરી પકડવાનું કાર્ય પણ સામેલ છે. આ નવા નિર્દેશોના આધારે SMCની ટીમે ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે પોતાની તપાસને વધુ વેગ આપ્યો છે, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. સરકારનો આ સખત અભિગમ રાજ્યના યુવાધનને ડ્રગ્સના ખતરનાક દુષણથી બચાવવા માટે એક મજબૂત પગલું સાબિત થઈ રહ્યો છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
