News of Sunday, 18th May 2025
ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
21મેના મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે 22મેની આસપાસ ત્યાં લો પ્રેસર સર્જાવાની શક્યતા ત્યારબાદ ગુજરાત કાંઠા તરફ આગળ વધીને વધુ શક્તિશાળી થઈ શકે છે : હવામાન વિભાગની આગાહી

અમદાવાદ તા.૧૮ :
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના સર્જાઈ છે અને ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં અને અંતમાં વાવાઝોડા સામાન્ય હોય છે.
ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે, જેને લઇને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા ફંટાઇ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, 21 મેએ સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે. જ્યારે 22 મેએ લો-પ્રેશર બની શકે છે. લો-પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા છે. બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે.
વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર તા. 21મેના મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે 22મેની આસપાસ ત્યાં લો પ્રેસર સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર તરફ (ગુજરાત કાંઠા તરફ) આગળ વધીને વધુ શક્તિશાળી થઈ શકે છે. જેથી 6 દિવસ બાદ ત્યાં વાવાઝોડુ (ડીપ્રેસન) સર્જાવાની મધ્યમ શક્યતા દર્શાવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાથી ભારે અને તોફાની વરસાદની શક્યતા વધી જાય છે. હાલ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલના કાંઠા પાસે વાદળોની જમાવટ છે.
આજે ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં 17થી 23મે દરમિયાન મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો સાથે 30થી 50 કિ.મી.ની ઝડપે પવન અને વિજળી સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના પ્રાદેશિક કેન્દ્ર દ્વારા તા. 22 અને તા. 23ના ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં સુકા હવામાનની શક્યતા નથી અને હવે છૂટાછવાયા માવઠાંની આગાહી જારી રખાઈ છે.
ઉત્તરપ્રદેશથી પૂર્વ બાંગ્લાદેશ સુધી, વેસ્ટર્લીઝમાં, બંગાળની ખાડીથી કોસ્ટલ આંધ્રપ્રદેશ સુધી ટ્રોફ છે. જેના પગલે દેશમાં અઘોષિત કે કમોસમી ચોમાસાનો માહૌલ છવાયેલો રહ્યો છે. વાદળિયા હવામાનના પગલે ગુજરાતમાં તાપમાનનો પારો આગળ વધતો અટકી ગયો છે. શનિવારે મહત્તમ તાપમાન સુરેન્દ્રનગર 41, કંડલા 40 અને તે સિવાયના સ્થળે પારો ફરી 40 સે.ની નીચે ઉતર્યો હતો.
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન
સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જોર યથાવત રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્યતા દર્શાવતી સીસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, બગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાત કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
