તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ખાનગી યુનિ-કોલેજોમાં ચાલતાં BBA-BCA કોર્સની જુદી જુદી ફીથી મુશ્કેલી
એક જ પ્રકારનો કોર્સ હોવા છતાં દરેક કોલેજ કે યુનિવર્સિટી દ્વારા મનફાવે તે પ્રમાણે ફીની વસૂલાત : સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી સહિતની સંસ્થાઓ પાસેથી કોર્સ, ફી સહિતના ડેટા મગાવ્યા પણ આગળ કોઇ કાર્યવાહી ન થઇ

અમદાવાદ,તા.૧૯: ગુજરાતમાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ચાલતાં બીબીએ-બીસીએ સહિતના કોર્સમાં અલગ અલગ ફીને લઇને હાલ ભારે વિસંગતા ઉભી થઇ છે. એક જ કોર્સ ચલાવતી પ્રાઇવેટ અને સરકારી કોલેજમાં જુદી જુદી ફી હોય પરંતુ ખાનગી કોલેજોમાં પણ ફીના દરોને લઇને વાલીઓમાં દ્વિધા જોવા મળી રહી છે. સરકાર દ્વારા થોડા સમય પહેલા પ્રાઇવેટ યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઓમાં કેટલા અને કેવા પ્રકારના કોર્સ ચાલે છે કેટલી ફી છે તે સહિતના ડેટા મંગાવવામાં આવ્યા હતા. જેના કારણે ફી, પ્રવેશમાં એકસૂત્રતા આવશે તેવું માનવામાં આવતું હતુ. જોકે, આ મુદ્દે હજુસુધી કોઇ જાહેરાત કરવમાં આવી નથી.
રાજયમાં ટેકનિકલ કોર્સ એટલે કે ડિગ્રી ઇજનેરી, ફાર્મસી,એમબીએ-એમસીએ સહિતના કોર્સની ફી નક્કી કરવા માટે ફી કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા નક્કી કરવામાં આવે તે પ્રકારે જ વાલીઓએ ફી ભરવાની હોય છે. હાલમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા તમામ બીબીએ-બીસીએ સહિતના કોર્સને ટેકનિકલ કોર્સ ગણીને તેની મંજુરી માટે કાઉન્સિલ સમક્ષ જવા આદેશ કર્યો છે. કાઉન્સિલના આદેશના પગલે તમામ બીબીએ-બીસીએ કોલેજની ફીમાં એકસૂત્રતા આવશે તેવી આશા ઉભી થઇ હતી. જોકે, ગુજરાત યુનિવર્સિટીએ બીબીએ-બીસીએ કોર્સનું નામ જ બદલીને બીએસ કરી દીધું હતુ. આ ઉપરાંત અન્ય યુનિવર્સિટીઓએ પણ આજ પ્રકારની કામગીરી કરતાં હાલ પણ બીબીએ-બીસીએ કોલેજની ફીમાં ભારે વિસંગતતા ઉભી થઇ છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
ગુજરાત યુનિવર્સિટીની બીબીએ-બીસીએ કોલેજમાં પ્રવેશ લેવો હોય તો અલગ ફી ભરવાની અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ચાલતાં આ કોર્સમાં પ્રવેશ લેવો હોય તો પણ અલગ ફી વસુલવામાં આવે છે. સરેરાશ ૨૦ હજાર રૂપિયાથી લઇને ૭૦ હજાર રૂપિયા અને કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા ૧ લાખ રૂપિયાથી પણ વધારે મનફાવે તે પ્રમાણે ફી વસુલવામાં આવી રહી છે. સૂત્રો કહે છે કે, સરકાર દ્વારા કોમન કોર્સમાં કોમન ફી નક્કી થાય તે માટે થોડા સમય પહેલા દરેક યુનિવર્સિટીઓ પાસેથી કયા પ્રકારના કોર્સ ચલાવવમાં આવે છે, કેટલી ફી લેવામાં આવે છે તે સહિતની માહિતી મંગાવવામાં આવી હતી. જોકે, આ માહિતી મંગાવ્યા પછી હજુસુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.
આ સ્થિતિમાં ચાલુવર્ષે પણ દરેક યુનિવર્સિટીઓ એક જ પ્રકારના કોર્સ માટે અલગ અલગ ફી ઉઘરાવશે તે નક્કી છે. સૂત્રો કહે છે કે, સરકારે વિગતો મંગાવ્યા પછી નિયમ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કોમન કોર્સ માટે કોમન ફીના નિર્ણય કરવો જોઇએ પરંતુ હાલમાં સરકાર દ્વારા કોઇ જાહેરાત થઇ નથી. બીજીબાજુ પ્રાઇવેટ કોલેજોએ પોતાની રીતે પ્રવેશ ફાળવવાનું શરૂ પણ કરી દીધું છે.(૪૦.૩)
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
