<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

રાજ્‍યમંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્રના મનરેગા કૌભાંડમાં ધરપકડ

અગાઉ બળવંત ખાબડની ધરપકડ કર્યા બાદ હવે કિરણ ખાબડની પણ સંડોવણી ખુલતા કાર્યવાહી

અમદાવાદ, તા.૧૯: દાહોદ મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપકડ કરી છે. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ આજે વહેલી સવારે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કિરણ ખાબડને વડોદરા-હાલોલ હાઇવે પરથી પકડી પાડ્‍યો હતો. હાલ તેમને પોલીસ સ્‍ટેશનમાં લઈને આવવામાં આવ્‍યા છે તેમની પૂછપરછ ચાલુ છે.

૧૭ મેએ બળવંત ખાબડની ધરપકડ કરાઈ હતી અગાઉ ૧૭ મેએ દાહોદ મનરેગા કૌભાંડ મામલે કળષિ અને પંચાયત રાજ્‍ય મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્‍કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે.

દાહોદ મનરેગા યોજના કૌભાંડ મામલે મંત્રી પુત્ર બળવંત ખાબડ અને ટીડીઓ દર્શન પટેલને ડિસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ કોર્ટ દાહોદ ખાતે લઈ જવાયા હતા. જ્‍યાં પોલીસે ૧૪ દિવસના રિમાન્‍ડ માગ્‍યા હતા. જોકે, દાહોદ કોર્ટ બન્ને આરોપીના ૫ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા છે.

થોડા દિવસ અગાઉ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક દ્વારા ૩૫ એજન્‍સી સામે રૂપિયા ૭૧ કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્‍યું હતું. (રર.૨૪)

(3:40 PM IST)