તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ખેલો ઇન્ડિયા કાર્યક્રમ ગેમ ચેન્જર બન્યો : ગુજરાતના ખેલાડીઓએ બિહારમાં ૧૩ મેડલ જીત્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલથી રમતગમતને પ્રોત્સાહન : ગુજરાતના ૧૦૭ ખેલાડીઓએ યુથ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

ગાંધીનગર, ૧૯ મે: કહેવાય છે કે ચેમ્પિયન રાતોરાત નથી બનતા, તેમની જીત પાછળ વર્ષોનું સમર્પણ, શિસ્ત અને સહયોગ હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્ષમ નેતૃત્વમાં ભારત સરકાર દેશના ખૂણે ખૂણેથી પ્રતિભાને બહાર લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને પહેલો રમતવીરોને વિશ્વ ચેમ્પિયન બનવા માટે સતત પ્રોત્સાહન આપી રહી છે. આમાંની એક મુખ્ય પહેલ છે - ખેલો ઇન્ડિયા, જેનો ઉદ્દેશ પાયાના સ્તરે રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો અને સ્પોર્ટ્સમાં ભારતની વૈશ્વિક સ્તરે ઓળખ બનાવવાનો છે. તાજેતરમાં આ પહેલ અંતર્ગત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ કુલ ૧૩ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બિહાર ખાતે ૪ મેથી ૧૫ મે દરમિયાન ખેલો ઇન્ડિયા અંતર્ગત ૭મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં અન્ડર-૧૮ જૂથના ખેલાડીઓએ ૨૮ જેટલી રમતોમાં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી વોલીબોલ, જુડો, આર્ચરી, સ્વિમિંગ, જિમ્નાસ્ટિક, વેઇટલિફ્ટિંગ, કુસ્તી, મલખમ, ટેનિસ, એથલેટિક્સ, થાનગ થા, યોગાસન, ગતકા, કલરીપયટ્ટુ, ફેન્સિંગ, સાઇકલિંગ અને શૂટિંગ એમ કુલ ૧૭ વ્યક્તિગત અને ટીમ ગેમમાં કુલ ૧૦૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-૨૦૨૫માં ગુજરાતના ચેમ્પિયન્સની વાત કરીએ તો, ખેલાડીઓએ જુડો રમતમાં ૨ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ, યોગાસનમાં ૧ સિલ્વર મેડલ, ફેન્સિંગમાં ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ, સ્વિમિંગ રમતમાં ૧ બ્રોન્ઝ મેડલ, વોલીબોલમાં ૧ બ્રોન્ઝ મેડલ અને કુસ્તીમાં ૧ બ્રોન્ઝ મેડલ એમ કુલ ૧૩ મેડલ પ્રાપ્ત કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
૭મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, “આ પ્લેટફોર્મ ખેલાડીઓના શ્રેષ્ઠતમ સ્તરને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સરકાર દેશમાં રમતગમતના માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. છેલ્લા દાયકામાં રમતગમતનું બજેટ ત્રણ ગણાં કરતાં પણ વધુ વધારવામાં આવ્યું છે. ભારત ૨૦૩૬માં ઓલિમ્પિક લાવવાના પણ પ્રયાસો કરી રહી છે. દેશમાં ઉત્કૃષ્ટ ખેલાડીઓ તૈયાર કરવાના ઉદ્દેશ સાથે અમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતગમતને મુખ્ય પ્રવાહના શિક્ષણનો ભાગ બનાવ્યો છે.”
ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ૨૦૦૨ પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹૨.૫ કરોડ હતું, જે ૨૦૨૪માં ₹૪૮૭.૯૫ કરોડ કરતાં પણ વધી ગયું છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સ્પોર્ટ્સ પોલિસી ૨૦૨૨-૨૦૨૭ લોન્ચ કરવામાં આવી છે, જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. આ પોલિસીથી રાજ્ય આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમના સપનાં સાકાર કરવાની વધુ તકો મળશે.
ઉલ્લેખનીય છે કે, ભારત ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની રેસમાં ઉતર્યું છે. જો ભારતને આ ઇવેન્ટનું આયોજન કરવાની તક મળશે, તો તે અમદાવાદમાં યોજાશે. આ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં એક સ્પોર્ટ્સ વિલેજ પણ બનાવવામાં આવી રહ્યું છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
