તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 21st May 2025
લગ્નની લાલચે સગીરા પર દુષ્કર્મઃ ધર્મ પરિવર્તન કરવા સિગારેટના ડામ દીધા
વડોદરામાં લગ્નની લાલચે સગીર યુવતિએ ભારે અત્યાચાર સહ્યા

વડોદરા તા.૨૧: વડોદરાના આજવા રોડ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરાને સોહેલ પઠાણ નામના યુવકે પોતાના ઘરે લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ તેને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેમાં યુવકે તેને સિગારેટના ડામ દીધા હોવાનું પણ સામે આવ્યું છે. તે તેને ઘરમાં ગોંધી રાખીને તેના પર અત્યાચાર ગુજારતો હતો. આખરે તક મળતા સગીરા ઘરમાંથી નાસી છુટી હતી, અને તેની નાનીના ઘરે પહોંચીને સમગ્ર વ્યથા વર્ણવી હતી. આખરે આ મામલે કપુરાઇ પોલીસ મથક માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરા સમક્ષ લગ્ન કરવાની માંગ મુકી
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજવા રોડ પર સગીરા તેની નાનીના ઘરે રહેતી હતી. વર્ષ ૨૦૨૩ માં સગીરા આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે રીક્ષાની રાહ જોઇ રહી હતી. તેવામાં સોહેલ પઠાણ (રહે. ઉનરદીપ નગર, આજવા રોજ) રીક્ષા લઇને ત્યાં આવ્યો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત થઇ હતી. અને ફોન નંબરની આપલે થઇ હતી. જે બાદ સોહેલ રીક્ષામાં સગીરાને ફરવા માટે લઇ જતો હતો. સમય જતા તેણે સગીરા સમક્ષ લગ્ન કરવાની માંગ મુકી હતી. આ અંગે સગીરાએ તેની નાની અને માતાને પુછતા તેમણે જણાવ્યું કે, તારી ઉંમર હજી નાની છે. ઉંમર થશે ત્યારે વિચારીશું.
જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી
વર્ષ ૨૦૨૩ માં સોહેલ સગીરાને લગ્નની લાલચે તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણીની પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બાદ સગીરાનું ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. સગીરા સામે કોઇ દાદ નહીં આપતા તેને સિગારેટના ડામ આપવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સોહેલે યુવતિને ઘરમાં ગોંધી રાખી હતી. એક દિવસ તક મળતા જ સગીરા ત્યાંથી નીકળીને પોતાની નાનીના ઘરે પહોંચી હતી. અને સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. આખરે સોહેલ પઠાણ વિરૂદ્ધ કપુરાઇ પોલીસ મથકમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે સોહિલને સાથ આપનારા બે મિત્રોની પણ ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.(૩૮.૧૦)
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
