<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સુરતની ફેમેલી કોર્ટ ૧૨ વર્ષના બાળકના દીક્ષા કાર્યક્રમ પર સ્‍ટે મૂકયો

માતા-પિતાના ઝઘડાથી કંટાળી ૧૨ વર્ષના બાળકે લીધો વિચિત્ર નિર્ણયઃ બાળકે કોર્ટમાં રડતા રડતા એવું નિવેદન આપ્‍યું કે તે કોઈની સાથે રહેવા નથી માંગતો ન તો માતા સાથે કે ન તો પિતા સાથે

 

 

સુરત તા.૨૧: સુરતની ફેમેલી કોર્ટે ૧૨ વર્ષના બાળકના દીક્ષા કાર્યક્રમ પર સ્‍ટે મૂકવામાં આવ્‍યો છે. બાળકના પિતા દ્વારા આ દીક્ષા કાર્યક્રમ રોકવા માટે ફેમેલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે બાળકે કોર્ટમાં રડતા રડતા એવું નિવેદન આપ્‍યું કે તે કોઈની સાથે રહેવા નથી માંગતો ન તો માતા સાથે કે ન તો પિતા સાથે.

સુરત શહેરના અદાલત ચક્રમાં  એક અત્‍યંત મહત્‍વપૂર્ણ અને ભાવનાત્‍મક મામલે મહત્‍વનો ચુકાદો સામે આવ્‍યો છે. ૧૨ વર્ષના બાળકને જૈન સંપ્રદાયના સંયમ માર્ગે દીક્ષા આપવાનું આયોજન તેના માતા અને પિયર પક્ષ દ્વારા કરાયું હતું, પરંતુ બાળકના પિતા દ્વારા આ બાબતે દીક્ષા અટકાવવા માટે ફેમિલી કોર્ટમાં અપીલ કરાઈ હતી. બાદમાં કોર્ટમાં ચાલેલી ચર્ચા અને દલીલોની પેઠે આજે આ મામલે બાળકના દીક્ષા કાર્યક્રમ પર સ્‍ટે મૂકી દીધો છે.

જાણકારી મુજબ, બાળકના માતા-પિતા છેલ્લા અનેક વર્ષોથી અલગ રહે છે અને બાળક માતા સાથે રહે છે. પિતાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી કે બાળક હજુ નાબાલિગ છે અને પોતાના જીવન માટે એવો મહત્‍વનો નિર્ણય લઈ શકે એટલી સમજશક્‍તિ ધરાવતો નથી. તેમજ દીક્ષા બાદ બાળક સંયમ માર્ગે પ્રવળત્ત થઈ જાય તો પિતાને ફરીથી તેનાં દીકરાને મળવાનો અધિકાર પણ નહીં રહે.

૨૧ અને ૨૨ મેના રોજ દીક્ષા મહોત્‍સવ યોજાનાર હતો. પરંતુ તેમાં વિક્ષેપ લાવતાં આજે સુરત ફેમિલી કોર્ટે મહત્‍વનો નિર્ણય આપી, દીક્ષા કાર્યક્રમ પર સ્‍ટે ઓર્ડર આપ્‍યો છે. આ ચુકાદાને ‘‘અવસરીક સુરક્ષા'' તરીકે જાહેર કરી બાળકોના હિતમાં કોર્ટ દ્વારા નોંધપાત્ર હસ્‍તક્ષેપ માનવામાં આવી રહ્યો છે.

આ કેસ દરમિયાન ખાસ્‍સી લાગણીસભર ક્ષણો સર્જાઈ જ્‍યારે ૧૨ વર્ષનો બાળક પોતે કોર્ટમાં હાજર રહ્યો હતો. તેણે પોતાનું નિવેદન આપતાં રડી પડ્‍યો હતો અને જણાવ્‍યું કે તે કોઈ સાથે રહેવા માંગતો નથી - ન તો માતા સાથે, ન તો પિતા સાથે. પરંતુ તે સંયમના માર્ગે જવા ઈચ્‍છે છે. બાળકની આ વાત સાંભળી કોર્ટમાં ભારે લાગણીસભર માહોલ છવાઈ ગયો હતો.

માતા તરફથી વકીલ સ્‍વાતિ મહેતાએ દલીલ કરતા જણાવ્‍યું કે પિતા પાસે છેલ્લા ૧૦ વર્ષથી કસ્‍ટડી નહોતી, માતાએ જ બાળકને સંભાળ્‍યો છે. બીજી તરફ પિતાના વકીલ નરેશ ગોહિલે કોર્ટને કહ્યું કે, દીક્ષા જેવા ગંભીર નિર્ણયો માટે બાળક હજુ નાની ઉંમરનો છે અને તેનો ભાવિ ખરાબ રીતે પ્રભાવિત ન થાય એ જરૂરી છે.

બાળકના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્‍યું કે, ‘‘મારો પત્‍ની સાથે છૂટાછેડાનો કેસ છેલ્લા ૭ વર્ષથી ચાલે છે. દીક્ષા કાર્યક્રમની જાણ મારી પાસે નહોતી અને મેં આ કાર્યક્રમ અંગે માત્ર મેસેજ દ્વારા જાણકારી મેળવી. મારા દીકરાની ઉંમર માત્ર ૧૨ વર્ષ છે. મેં કોર્ટમાં માત્ર એટલું માંગ્‍યું કે હું મારા દીકરાને ગુમાવવા નથી ઈચ્‍છતો. હું આજે પણ મારા પરિવાર સાથે જ રહેવા ઈચ્‍છું છું.''

માતા તરફથી અડાજણ પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. તેમનું કહેવું છે કે પિતા દ્વારા છોકરાને દીક્ષા લેતા અટકાવવા પ્રયાસ થતાં કોર્ટમાં અરજી કરવામાં આવી. તેમ છતાં પિતા દીક્ષા પર શંકા દાખવી રહ્યા છે, પણ હાલમાં એ દિશામાં કોઈ સચોટ પગલાં લેવામાં આવ્‍યા નહોતા. બાળકના પિતા તરફથી વકીલ તરીકે નરેશ ગોહિલ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે ખૂબ જ દૃઢ દલીલ રજૂ કરી હતી. વકીલ નરેશ ગોહિલે કોર્ટમાં જણાવ્‍યું હતું કે બાળકની ઉંમર માત્ર ૧૨ વર્ષ છે અને તે હજુ પોતાની જિંદગીના મોટા નિર્ણય લેવા માટે યોગ્‍ય સમજશક્‍તિ ધરાવતું નથી. તેથી આવા નાજુક વયે બાળકના જીવનને બદલનાર નિર્ણય, જેવી કે દીક્ષા, માતા દ્વારા પિતાની જાણ વગર લેવાયો છે, જે યોગ્‍ય નથી.

વધુમાં વકીલ નરેશ ગોહિલ દ્વારા કોર્ટમાં ભારપૂર્વક રજૂઆત કરી કે એકવાર જો દીક્ષા લઇ લેવામાં આવે તો બાળક જૈન સાધુ બની જશે અને ત્‍યારબાદ પિતા તરીકે પોતાને પોતાની જ સંતાન સાથે સંપર્ક કરવા અથવા મળવા પણ શકય નહીં બને. તેમના પક્ષે દીક્ષા મહોત્‍સવ પર તાત્‍કાલિક રોક લગાવવાની અરજી રજૂ કરવામાં આવી હતી. ફેમિલી કોર્ટે તમામ દલીલોએ વિચારણા કર્યા બાદ પિતાની અરજીને મંજૂરી આપતાં દીક્ષા કાર્યક્રમ પર સ્‍ટેનો હુકમ કર્યો હતો. આ નિર્ણય પછી વકીલ નરેશ ગોહિલે નિવેદનમાં જણાવ્‍યું હતું કે નામદાર ફેમિલી કોર્ટ દ્વારા આપેલો આ ચુકાદો ઐતિહાસિક છે અને તેને કારણે પિતાના હકોની રક્ષા થઈ છે.(૩૮.૧૩)

(10:23 AM IST)