News of Wednesday, 21st May 2025
હાઉસિંગ સોસાયટીના રહીશો પર ૪૩ વર્ષ પછી ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાનો બોજો
એક્ટમાં સુધારાના નિયમો જાહેર કર્યા બાદ અનેકગણી વસૂલાત : રહીશો દસ્તાવેજ કરાવવા કે મોર્ગેજ કરાવવા જાય ત્યારે લાગતો આંચકો

અમદાવાદ તા.૨૧: રાજ્યની સેંકડો હાઉસિંગ સોસાયટીમાં પ્રથમ સભ્યને ફાળવાયેલા શેર સર્ટિફિકેટ ઉપર હવે વર્ષો પછી સરકારે સ્ટેમ્પ ડ્યૂટી અને તેની સાથે દંડ પણ વસૂલવાનું શરૂ કરતા દસ્તાવેજ કરાવવા જઈ રહેલા નાગરિકોને આંચકો લાગી રહ્યો છે. ગુજરાત સ્ટેમ્પ ડ્યૂટી એક્ટમાં કરાયેલા સુધારાના એપ્રિલ-૨૦૨૫ જાહેર થયેલા નિયમો બાદ સબ રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે જે અર્થઘટન થયું છે તેના કારણે લોકો પર ૪૩ વર્ષ પછી જંગી ભારણ શરૂ થયું છે.
અગાઉ હાઉસિંગ સોસાયટીમાં શેર સર્ટિફિકેટ ઠરાવ કરીને ટ્રાન્સફર કરી દેવાતા હતા. ૨૭-૪-૧૯૮૨ પછી શેર સર્ટિફિકેટની ફાળવણી થયેલી હોય અથવા એસોસિએશનમાં ૪-૪-૧૯૯૪ પછી ફાળવણી થયેલી હોય તો તેમાં ખૂટતી સ્ટેમ્પ ડયૂટીની વસૂલાત હવે શરૂ કરાઈ છે. આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરના ગુજરાત સ્ટેમ્પ ડ્યૂટી સુધારા બીલ-૨૦૨૫ના એપ્રિલ-૨૦૨૫માં ગેઝેટમાં જાહેર કરાયેલા નિયમનું અર્થઘટન કરતા જણાવે છે કે હાઉસિંગ સોસાયટીમાં અત્યાર સુધી સ્ટેમ્પ ડયુટીની વસૂલાત થતી હતી.
જેમાં ૧૦થી ૨૫ હજાર દંડ લેવાતો હતો. તે સાથે ૨૫૦ રૂપિયા વધારાનો દંડ લેવાતો હતો ત્યાં સુધી બરાબર હતું. હવે સરકાર નવા નિયમ મુજબ જૂની ડયુટી પણ વસૂલશે. તેમાં સ્ટેમ્પ ડયૂટી સાથે બે ટકા પેનલ્ટી અથવા સામેથી રકમ ભરવા જાઓ છો તો ચાર પટ દંડ એટલે કે ચાર ગણી ડડ્યૂટી વસૂલવામાં આવે છે. જો સરકાર સામેથી વસૂલાત કરે તો સ્ટેમ્પ ડયૂટી સાથે ૩ ટકા પેનલ્ટી કે છ ગણો દંડમાંથી જે ઓછી હોય તે રકમ વસુલવામાં આવશે. જે ખૂબ મોટી રકમ થવા જાય છે અને કોઈ મોર્ગેજ લોન લેવા જાય કે દસ્તાવેજ કરીને વેચાણ આપવા જાય ત્યારે નાગરિકોને ખબર પડી રહી છે તેમની ઉપર જંગી ભારણ પડયું છે. આ બાબતને આગામી સમયમાં કાયદાકીય રીતે પણ પડકારવામાં આવશે.
તેઓ કોઇ હેતુ માટે ઘર મોર્ગેજ કરી કે વૈચાલ કરી પૈસા લેવા માગતા હોય તેના બદલે રજિસ્ટ્રાર કચેરીમાં અનેક કિસ્સામાં આવી મોટી રકમની વસૂલાત કરવામાં આવી રહી છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
