<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ડાંગના “કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ” ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ની ભવ્ય ઉજવણી કરાશે : કચ્છના ગુનેરીમાં ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તાર ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ જાહેર

‘પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ની થીમ સાથે વિશ્વભરમાં ઉજવાશે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ : ડાંગના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે પ્રસ્તાવિત

ગાંધીનગર: ગુજરાત સહિત વિશ્વભરમાં જૈવવિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે 22 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. આના ભાગરૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં, ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા 22 મે, 2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-2025’ની ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ “કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ” ખાતે ઉજવણી કરવામાં આવશે.
જૈવવિવિધતા સંરક્ષણ અને ટકાઉ વિકાસ પર ભાર
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જૈવવિવિધતા સંરક્ષણ તેમજ પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ સ્થાપિત કરવાનો છે. આ ઉજવણીમાં મહાનુભાવો દ્વારા જૈવવિવિધતા સંરક્ષણ અંગે વિશિષ્ટ વ્યાખ્યાન, વૃક્ષારોપણ, અને પ્રદર્શન યોજાશે. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા સ્તરની જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ, વઘઈ તાલુકા સ્તરની જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ અને ગ્રામ્ય સ્તરની 22 જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, તેમજ મહિલાઓ, બાળકો, ગ્રામજનો અને ડાંગમાં પરંપરાગત વૈદિક જ્ઞાન ધરાવતા તજજ્ઞો પણ સહભાગી થશે.
વર્ષ 2025ની થીમ ‘પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ આપણને શીખવે છે કે વિકસતી દુનિયામાં માનવજાત અને પ્રકૃતિ વચ્ચે સુમેળ જાળવવો એ સૌથી મોટી જરૂરિયાત અને પડકાર છે. વૃક્ષોનો નાશ, શહેરીકરણ, પ્રદૂષણ, વન્યજીવોના નિવાસસ્થાનોમાં ખલેલ, કુદરતી સ્રોતોનો દુરુપયોગ અને આબોહવા પરિવર્તન જેવી પરિસ્થિતિઓના કારણે અનેક જીવજાતિઓ લુપ્ત થવાના આરે છે. દરેક જાતિનું પર્યાવરણમાં વિશિષ્ટ મહત્વ હોય છે અને કોઈ પણ જાતિ લુપ્ત થવાથી સંપૂર્ણ નિવસનતંત્ર અસંતુલિત બની શકે છે. આથી, ભવિષ્યની પેઢીઓ માટે જૈવવિવિધતાનું સંરક્ષણ અનિવાર્ય બની ગયું છે.
ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની મહત્વપૂર્ણ ભૂમિકા
ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના મુખ્ય કાર્યોમાં જૈવવિવિધતા અધિનિયમ, 2002ની જોગવાઈઓ મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા કક્ષાએ *જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ (BMC)*ની રચના કરવામાં આવે છે. જેના દ્વારા ટી.એસ.જી.ની મદદથી નાગરિકોનું જૈવવિવિધતા રજિસ્ટર (PBR) બનાવી, વિવિધ જૈવવિવિધતા સંલગ્ન માહિતી, પરંપરાગત જ્ઞાન અને જૈવવિવિધતાનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. જેના અનુસંધાને લાભોની પ્રાપ્તિ અને વહેંચણી અંગેની પ્રક્રિયા દ્વારા BMCને જૈવવિવિધતા સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ ઉપરાંત, રાજ્યમાં જૈવવિવિધતા મહત્વ ધરાવતા સ્થળોને જૈવવિવિધતા વારસાના સ્થળો (BHS) તરીકે જાહેર કરવામાં આવે છે. જેમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ ખાતે આવેલી ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને વર્ષ 2025માં ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ જ પ્રકારે ડાંગ જિલ્લાના ચિંચલી ગામ પાસે આવેલ *‘નેચરલ મેંગો ફોરેસ્ટ’*ને પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે વિવિધ BMC તેમજ જૈવવિવિધતા સંરક્ષણ કરતા સમુહોને જાણકારી તેમજ પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ જાગૃતિ કાર્યક્રમો જેવા કે, રાજ્ય કક્ષાએ વિવિધ જિલ્લામાં 5 જેટલી કાર્યશાળાઓ અને 41 જૈવવિવિધતા જાગૃતિ રેડિયો કાર્યક્રમો તથા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. જેના થકી ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ પોતાના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરીને રાજ્યભરમાં જૈવવિવિધતાની જાળવણીનું કાર્ય કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ: ઇતિહાસ અને મહત્વ
જૈવવિવિધતા સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક વર્ષ 1992માં બ્રાઝીલના રિઓ ડી જેનેરો ખાતે યોજાયેલી "અર્થ સમિટ" દરમિયાન "કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી (CBD)" અસ્તિત્વમાં આવ્યું. જે 29 ડિસેમ્બર, 1993થી અમલમાં આવ્યું છે. ભારત સહિત આજે 190 થી વધુ દેશોએ આ કરાર સ્વીકાર્યો છે. CBDના ત્રણ મુખ્ય લક્ષ્યો છે: જૈવવિવિધતાનું સંરક્ષણ કરવું, તેના ઘટકોનો ટકાઉ ઉપયોગ કરવો, અને ઉત્પન્ન લાભોની વ્યાજબી અને સમાન વહેંચણી કરવી.
હકીકતમાં કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી (CBD) 29 ડિસેમ્બર 1993ના રોજ અમલમાં આવી હતી, પરંતુ ઘણા દેશોમાં રજાઓ આવતી હોવાથી યોગ્ય ઉજવણી કરવી મુશ્કેલ હતી. જેથી યુનાઇટેડ નેશન્સ જનરલ અસેમ્બ્લીએ 22 મેને આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ઘોષિત કર્યો, જે 22 મે 1992ના રોજ નૈરોબી ફાઈનલ એક્ટ દ્વારા જૈવિક વિવિધતા ટેક્સ્ટને અપનાવવાની યાદમાં છે. જેથી તેના મહત્વને દર્શાવવા માટે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ 22 મેના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિનની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં જૈવવિવિધતાના મહત્વની જાણકારી આપવી, પ્રાકૃતિક સંસાધનોની જાળવણીનું મહત્વ સમજાવવું અને વિવિધ સ્તરે લોકો અને સંસ્થાઓને જૈવ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.

 

(1:31 PM IST)