News of Wednesday, 21st May 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાહોદથી દેશને સમર્પિત કરશે 9000 HPનું પ્રથમ લોકમોટિવ એન્જિન : 'મેઈક ઈન ઈન્ડિયા'નું ઉત્તમ ઉદાહરણ બનશે દાહોદનું રેલ યુનિટ
20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલું રેલવે પ્રોડક્શન યુનિટ 10 હજારથી વધુ રોજગારીનું સર્જન કરશે : 'મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ'ની છાપ સાથે એન્જિન દેશ-વિદેશમાં પહોંચશે

ગાંધીનગર: ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 26 અને 27 મેના રોજ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની આ મુલાકાત દરમિયાન, દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે નિર્મિત રેલવે પ્રોડક્શન યુનિટમાં બનેલા 9000 હોર્સપાવર (HP) ના પ્રથમ લોકમોટિવ એન્જિનનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જે 'મેઈક ઈન ઈન્ડિયા' અભિગમનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા બાદ તેઓ માતાના મઢ આશાપુરા મંદિરના દર્શન પણ કરશે.
દાહોદ બનશે રેલ એન્જિન નિર્માણનું હબ: 10 વર્ષમાં 1200 એન્જિનનું લક્ષ્ય
દાહોદ ખાતે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ પર તૈયાર થયેલા આ વિશાળ રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલમાં 4 એન્જિન તૈયાર થઈ રહ્યા છે. ભવિષ્યમાં આ એન્જિન દેશ-વિદેશમાં પણ નિકાસ કરવામાં આવશે, જેના પર 'મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ' એમ લખવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિન સંપૂર્ણપણે *'મેઈક ઇન ઇન્ડિયા'*ના તર્જ પર બનાવવામાં આવશે.
આ 9000 HPના 6 એક્સલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની મુખ્ય વિશેષતાઓમાં તેની 4600 ટનના કાર્ગોનું વહન કરવાની ક્ષમતા, અને 75 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપનો સમાવેશ થાય છે. આ એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી કેબિન અને ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત, દુર્ઘટનાઓથી બચવા માટે કવચ સિસ્ટમ પણ પહેલેથી જ લગાવવામાં આવી છે, જે સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. આ એન્જિનનું મેન્ટેનન્સ પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પૂણે ડેપોમાં કરવામાં આવશે.
સ્થાનિક અર્થતંત્રને વેગ અને 10 હજારથી વધુ રોજગારીનું સર્જન
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પગલે દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 હજારથી વધુ લોકોને રોજગારી મળશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળશે. આ ઉપરાંત, સૌથી નીચા બીડર તરીકે બહાર આવેલી મલ્ટિનેશનલ કંપની દ્વારા રેલવે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ ચીજવસ્તુઓની જરૂરિયાત પૂરી પાડવા માટે પાવર સેક્ટર અને એન્જિનિયરિંગ સેક્ટરની નાની-મોટી કંપનીઓ માટે પણ નવા અવસરો ઊભા થશે. આ યુનિટ દાહોદના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે અને તેને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં એક મહત્વપૂર્ણ ભાગ બનાવશે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
