News of Wednesday, 21st May 2025
ગુજરાતમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં 7,006 બાળકોને પ્રવેશ ફાળવાયો : 28 મે સુધીમાં શાળામાં પ્રવેશ નિયત કરવા સૂચના
રાજ્યભરમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને અન્ય માધ્યમની કુલ 7,378 RTE બેઠકો હજુ પણ ખાલી

ગાંધીનગર: શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) - 2009 અંતર્ગત બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે, આજે, તા. 21 મે, 2025ના રોજ યોજાયેલી RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ વધુ 7,006 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
28 મે સુધીમાં પ્રવેશ નિયત કરાવી લેવા અપીલ
બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ તા. 28 મે, 2025, બુધવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.
ખાલી રહેલી બેઠકોનો વિગતવાર અહેવાલ
RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી, બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં હજુ પણ કુલ 7,378 જેટલી જગ્યાઓ ખાલી રહેવા પામી છે. માધ્યમ મુજબ ખાલી જગ્યાઓનો વિગતવાર આંકડો નીચે મુજબ છે:
* ગુજરાતી માધ્યમ: 728 બેઠકો
* અંગ્રેજી માધ્યમ: 4,564 બેઠકો
* હિન્દી માધ્યમ: 1,920 બેઠકો
* અન્ય માધ્યમ: 166 બેઠકો
પ્રથમ રાઉન્ડની પ્રગતિ અને બીજા રાઉન્ડ માટેની તક
રાજ્ય સરકારના પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ 2025-26માં રાજ્યની કુલ 9,814 જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા માધ્યમમાં કુલ 94,798 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને 6 કિમીની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈ પ્રથમ રાઉન્ડમાં 86,264 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. તેમાંથી નિયત સમયમર્યાદામાં 80,453 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે.
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી 14,345 જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 89,445 અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક તા. 15 મે, 2025 થી તા. 17 મે, 2025 દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં કુલ 45,695 અરજદારોએ શાળાઓની પુનઃપસંદગી કરી હતી, જ્યારે બાકીના 43,750 અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલા ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી.
આ પ્રક્રિયા દ્વારા વધુને વધુ વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
