News of Wednesday, 21st May 2025
આજે 'વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા દિવસ' : સગર્ભા માતાઓ માટે હાઈ બ્લડ પ્રેશરનો ગંભીર ખતરો : સમયસર નિદાન અને સારવાર જરૂરી
દક્ષિણ એશિયાઈ સ્ત્રીઓમાં 8-10% ગર્ભાવસ્થામાં જોવા મળે છે આ સ્થિતિ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાગૃતિ અને નિદાન પર ભાર

અમદાવાદ, 22 મે 2025: સગર્ભા માતાઓ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરતા પ્રી-એક્લેમ્પસિયા વિશે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 22 મે ના રોજ 'વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા દિવસ' ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રી-એક્લેમ્પસિયાના વહેલા નિદાન, નિવારણ અને અસરકારક વ્યવસ્થાપન ઉપર ભાર મૂકી, સગર્ભા માતા સ્વસ્થ રહે અને સ્વસ્થ શિશુનો જન્મ થાય તે માટે સમાજમાં જાગૃતિ કેળવવાનો છે.
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ દિવસને પ્રી-એક્લેમ્પસિયા, તેના સંભવિત જોખમો અને તેની સમયસર તબીબી સારવાર મેળવી સગર્ભા માતા અને નવજાત શિશુમાં તેના લીધે થતા કોમ્પ્લીકેસન્સ રોકવા અંગેની જાગૃતિ વધારવા માટે એક વૈશ્વિક અભિયાન તરીકે ઉજવવામાં આવે છે. તેમણે સગર્ભા મહિલાઓને આ તપાસ કરાવવા અપીલ કરી હતી જેથી માતા અને બાળક બંનેને પ્રી-એક્લેમ્પસિયાથી થતી મુશ્કેલીઓથી બચાવી શકાય.
શું છે પ્રી-એક્લેમ્પસિયા?
સિવિલ હોસ્પિટલના પ્રસુતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા ડો. અમીય મેહતાએ સમજાવ્યું કે, પ્રી-એક્લેમ્પસિયા એ ગર્ભાવસ્થાનો એક હાયપરટેન્સિવ ડિસઓર્ડર છે જેમાં સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પછી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે અને તેના લીધે અંગોને નુકસાન થાય છે. દક્ષિણ એશિયાઈ સ્ત્રીઓમાં 8-10 ટકા ગર્ભાવસ્થામાં આ સ્થિતિ જોવા મળે છે.
પ્રી-એક્લેમ્પસિયાના ચિહ્નો અને લક્ષણો
ડો. અમીય મેહતાએ પ્રી-એક્લેમ્પસિયાના મુખ્ય ચિહ્નો અને લક્ષણો વિશે માહિતી આપી હતી:
* બ્લડ પ્રેશર: 140/80 થી વધુ
* પગ અને શરીરમાં સોજા આવવા
* માથાનો દુખાવો
* દ્રષ્ટિમાં મુશ્કેલી
* ઉબકા આવવા
માતા અને બાળક પર થતી આડઅસરો
પ્રી-એક્લેમ્પસિયાની ગંભીર અસરો માતા અને બાળક બંને પર થઈ શકે છે:
* સગર્ભા માતા: લીવર અથવા કિડની ખરાબ થવી, વધુ પડતો રક્તસ્રાવ થવો અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે.
* જન્મનાર બાળક: મુખ્યત્વે વહેલો અને અવિકસિત બાળકનો જન્મ થવો, ઓછા વજનવાળા બાળકનો જન્મ થવો વગેરે.
* આવી સગર્ભા માતાઓ અને બાળકોને જીવનમાં પાછળથી હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કિડની રોગ થવાનું જોખમ પણ વધારે હોય છે.
કોને પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ વધારે?
કેટલીક સગર્ભા માતાઓને પ્રી-એક્લેમ્પસિયા થવાનું જોખમ વધારે હોય છે:
* પહેલીવાર ગર્ભવતી થયેલી મહિલા
* મેદસ્વીપણું ધરાવતી મહિલા
* ઓછી ઊંચાઈ ધરાવતી મહિલા
* ડાયાબિટીસ, હાયપરટેન્શન, હાયપરટોઇમ્યુન રોગથી પીડિત મહિલા
* અગાઉની પ્રેગ્નન્સીમાં પ્રી-એક્લેમ્પસિયા થયેલ હોય તેવી સગર્ભા
* જે સગર્ભા મહિલાની માતાને ગર્ભાવસ્થા દરમિયાન પ્રી-એક્લેમ્પસિયાની હિસ્ટ્રી હોય તેવી સગર્ભા
* મોટી ઉંમરે થતી પ્રેગ્નન્સી
* 5 થી 10 વર્ષના અંતરાલ બાદ ધારણ કરેલ પ્રેગ્નન્સી
પ્રી-એક્લેમ્પસિયા કેવી રીતે અટકાવી શકાય?
ડો. અમીય મેહતાએ પ્રી-એક્લેમ્પસિયા અટકાવવા માટેના મહત્વના પગલાં સૂચવ્યા:
* બધી સગર્ભા સ્ત્રીઓએ ગર્ભાવસ્થાના પ્રથમ 11-13 અઠવાડિયામાં બ્લડ પ્રેશર, ગર્ભાશયની ધમનીનું પલ્સેટિલિટી ઇન્ડેક્સ (Uterine Artery Pulsatility Index) અને સીરમ પ્લેસેન્ટલ ગ્રોથ ફેક્ટર તેમજ રેડિયોલોજીસ્ટ દ્વારા ગર્ભાશયની ધમનીના કલર ડોપ્લર ટેસ્ટ કરાવવાથી સગર્ભા માતામાં પ્રી-એક્લેમ્પસિયા થવાની શક્યતા જાણી શકાય છે.
* જો કોઈ સગર્ભા માતા આ સ્ક્રીનીંગમાં પોઝિટિવ હોવાનું જાણવા મળે, તો તેને ગર્ભાવસ્થાના 16 અઠવાડિયા પહેલા 100 મિલિગ્રામ કે તેથી વધુની એસ્પીરીન ટેબ્લેટ દૈનિક માત્રામાં શરૂ કરવામાં આવે છે. જો આ દવા ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા સુધી નિયમિત લેવામાં આવે તો તે પ્રી-એક્લેમ્પસિયાનું જોખમ ઘટાડે છે.
સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા નિયમિત ધોરણે સગર્ભા મહિલાઓમાં Uterine Artery કલર ડોપલરથી પ્રી-એક્લેમ્પસિયાની તપાસ કરવામાં આવે છે, તેમ રેડિયોલોજી વિભાગના વડા ડો. ઈલા દેસાઈ અને એસોસીએટ પ્રોફેસર ડો. નિશા ભોજવાણીએ જણાવ્યું હતું. પ્રી-એક્લેમ્પસિયાની તપાસ માટે કોઈપણ સગર્ભા મહિલા ઓપીડી સમય દરમિયાન 1200 બેડ સિવિલ હોસ્પિટલના ગાયનેક ઓપીડી વિભાગમાં સંપર્ક કરી શકે છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
