<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીમાં કોગ્નિઝન્ટ-ઇન્ડિયાના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો શુભારંભ કરાવ્યો : ગુજરાત નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર બનશે!

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા સજ્જ : AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ : વિજ્ઞાન અને પ્રાદ્યૌગિક વિભાગનાં અગ્ર સચિવ મોના ખંધાર તથા કોગ્નિઝન્ટ કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર, 21 મે 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે બુધવારે ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી) માં કોગ્નિઝન્ટ-ઇન્ડિયા કંપનીના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને નોલેજ બેઝ્ડ ઇકોનોમીનું નેતૃત્વ કરવા સજ્જ છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારતને નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.
ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ડિયા: સર્વવ્યાપી પ્રગતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનની શરૂઆત ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન પાઠવીને કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતામાં આધુનિક ટેકનોલોજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં તમામ ક્ષેત્રે ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે શરૂ કરેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દશકમાં દેશમાં ટેકનોલોજીની પરિભાષા બદલાઈ છે અને ટેકનોલોજી સામાન્ય માનવીના આંગળીના ટેરવે પહોંચી છે.
કોગ્નિઝન્ટ કંપનીના ગુજરાતમાં આગમનને આવકારતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનના દિશાદર્શનમાં ઊભરતા ક્ષેત્રો અને ઊભરતી ટેકનોલોજી માટે ગુજરાતમાં પ્રોત્સાહક વાતાવરણ સર્જાયું છે. તેમણે ઉમેર્યું કે ભારત પાસે વિશ્વનો સૌથી અફોર્ડેબલ ઇન્ટેલેક્ચ્યુઅલ મેનપાવર છે. વડાપ્રધાનના નેતૃત્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર જેવી ક્રિટીકલ ટેકનોલોજી પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે.
ગુજરાત: AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રેસર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાનના વિઝન અને મિશનમાં અગ્રેસર રહેવાનો ગુજરાતનો ટ્રેક રેકોર્ડ છે. ભારતને વિશ્વના સોફ્ટપાવર લીડર અને નોલેજ બેઝ્ડ ઇકોનોમી બંને ક્ષેત્રોમાં અગ્રેસર બનાવવામાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. તેમણે માહિતી આપી કે ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે. રાજ્યમાં AI આધારિત ઈકોસિસ્ટમ ઊભી થાય અને AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન્સ માટે નિષ્ણાતો, વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવવા માટે એક સુદ્રઢ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. રાજ્યમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી પણ જાહેર કરી છે. વિશ્વની મોટી કંપનીઓ આ પોલિસીનો લાભ લઈને ગુજરાતમાં પોતાના ઓપરેશન કાર્યરત કરવા માટે ઉત્સુકતા દર્શાવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં ગિફ્ટ સિટી શરૂ થઈ છે અને અહીં અનેક ગ્લોબલ કંપનીઝની ફેસિલિટીઝ આવતા ગુજરાત ગ્લોબલ લીડરની ભૂમિકામાં આવ્યું છે. ગિફ્ટ સિટીમાં એક પ્રકારે ટેલેન્ટ, ટેકનોલોજી અને ઇનોવેશનની સુદ્રઢ ઇકોસિસ્ટમ ઊભી થઈ છે.
આ અવસરે વિજ્ઞાન અને પ્રાદ્યૌગિક વિભાગનાં અગ્ર સચિવ મોના ખંધાર તથા કોગ્નિઝન્ટ કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(8:22 PM IST)