<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયત બની રાષ્ટ્રીય ગૌરવ : દેશની 1.44 લાખ પંચાયતોમાંથી ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી!

વિશાખાપટ્ટનમ ખાતે '28મી નેશનલ ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ'માં સન્માનિત કરાશે : 100% ઓનલાઈન વેરા વસૂલાત અને 17,000 થી વધુ ઓનલાઈન સેવાઓ પૂરી પાડી સિદ્ધિ હાંસલ

સુરત, 21 મે 2025, બુધવાર: સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતે ઈ-ગવર્નન્સ ક્ષેત્રે અસાધારણ કામગીરી કરીને સમગ્ર ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે. દેશભરની કુલ 1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી, પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ વિશાખાપટ્ટનમ ખાતે યોજાનાર '28મી નેશનલ ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ' દરમિયાન કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવશે. આ સિદ્ધિ પલસાણા ગ્રામ પંચાયતની ઈ-ગવર્નન્સ ક્ષેત્રે અનેરી પ્રગતિ દર્શાવે છે.
ડિજિટલ રૂપાંતરણ દ્વારા લોકસેવામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા
પલસાણા ગ્રામ પંચાયતે લોકસેવા પહોંચાડવાની પદ્ધતિમાં ડિજિટલ રૂપાંતરણ લાવીને પારદર્શિતા, ઝડપ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. ઈ-ગવર્નન્સના માધ્યમથી સ્થાનિક નાગરિકોને સુગમ અને અસરકારક સેવાઓ પૂરી પાડીને આ ગામ દેશભરમાં એક ઉદાહરણરૂપ બન્યું છે.
પલસાણા ગ્રામ પંચાયત દ્વારા 100% વેરા વસૂલાતની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે, જે ડિજિટલ અપનાવવાની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં, ગ્રામ પંચાયત કક્ષાએ વી.સી.ઈ. (વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) અને તલાટી દ્વારા વર્ષ 2024-25 દરમિયાન અંદાજિત 17,484 જેટલી ઓનલાઈન સેવાઓ ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હતી.
"Secure Palsana" અભિયાન અંતર્ગત, પલસાણા ગ્રામ પંચાયતે ગામમાં વિવિધ જગ્યાએ અંદાજે 75 જેટલા સી.સી.ટી.વી કેમેરા ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા પણ સુદૃઢ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી પણ અત્યંત પ્રશંસનીય અને નમૂનેદાર છે. આ ઉપરાંત, ગ્રામજનો માટે હાલમાં ઈ-લાયબ્રેરીનું નિર્માણ પણ થઈ રહ્યું છે. સરપંચ પ્રવીણભાઈ આહિર અને ઉપસરપંચ પરેશભાઈ મૈસુરીયાના અથાગ પ્રયત્નો અને ગ્રામજનોના હિતને સર્વોપરી રાખીને કામ કરવાની ભાવના થકી જ પલસાણા ગ્રામ પંચાયત આ એવોર્ડ માટે હકદાર બન્યું છે.
તાલુકાથી રાષ્ટ્રીય કક્ષા સુધીની કસોટીમાં ખરી ઉતરી પલસાણા
આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પલસાણા ગ્રામ પંચાયતને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની ચકાસણી કમિટીની કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું. આ પ્રક્રિયા બાદ તેણે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. રાષ્ટ્રીય કક્ષાની કમિટીએ પલસાણાની પ્રત્યક્ષ મુલાકાત લઈને ગામની કામગીરીનું મૂલ્યાંકન કર્યું. ત્યારબાદ, ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ અને પબ્લિક ગ્રીવન્સ-ન્યુ દિલ્હી દ્વારા રચિત રાષ્ટ્રીય કક્ષાની જ્યુરી પેનલ સમક્ષ પલસાણા ગ્રામ પંચાયતની કામગીરીનું મૂલ્યાંકન થયું, જેમાં દેશની 1.44 લાખ ગ્રામ પંચાયતોમાંથી પલસાણાએ બાજી મારી.
આ અવસરે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલે જણાવ્યું કે, પલસાણા ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળવો સુરત જિલ્લા અને રાજ્ય સરકાર માટે અત્યંત ગૌરવપ્રદ છે. આ સિદ્ધિ રાજ્યની અન્ય ગ્રામ પંચાયતોને પણ પ્રેરણા આપશે. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું કે, તેઓ પલસાણાની કાર્યપદ્ધતિને અન્ય ગ્રામ પંચાયતોમાં પણ અમલમાં મૂકવા પ્રયાસ કરશે, જેથી વધુમાં વધુ લોકોને ઈ-ગવર્નન્સનો લાભ મળી શકે. તેમનું લક્ષ્ય છે કે ડિજિટલ ગવર્નન્સ ગ્રામ્ય સ્તર સુધી પહોંચે અને જનસેવા વધુ શક્તિશાળી બને.
આમ, રાષ્ટ્રીય એવોર્ડ માટેની પલસાણાની પસંદગી માત્ર ગામ માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે જનસેવા અને ડિજિટલ ગવર્નન્સની સફળતાનું પ્રત્યક્ષ ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે ગ્રામ્ય સ્તરે ટેકનોલોજીથી લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.

 

(9:41 PM IST)