<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

અમદાવાદ સોલા સિવિલમાં યુવતીનો રિપોર્ટ પોઝિટિવ: હવે એક્ટિવ કેસની સંખ્યા 9 થઇ

તાવ અને શ્વાસની તકલીફ સાથે યુવતી સારવાર માટે સોલા સિવિલમાં દાખલ : કોરોનાગ્રસ્ત યુવતીને હાલમાં ઓક્સિજન પર રાખવામાં આવી

અમદાવાદ :કોરોના હવે ફરીથી માથું ઉચકી રહ્યો છે. હોંગકોંગ અને સિંગાપોર બાદ ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ ચુકી છે. ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના ફેલાઇ ચુક્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. અમદાવાદમાં આજે એક 20 વર્ષીય યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સાથે હવે ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 9 થઇ ગઇ છે. 

 

અમદાવાદ સોલા સિવિલમાં 20 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાવ અને શ્વાસની તકલીફ સાથે યુવતી સારવાર માટે સોલા સિવિલમાં આવી હતી. કોરોનાગ્રસ્ત યુવતીને હાલમાં ઓક્સિજન પર રાખવામાં આવી છે. હાલમાં તેની તબિયત સુધારા પર છે. 

 

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઇ સોલા સિવિલ સજ્જ થઇ ગઇ છે. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના આસીસ્ટન્ટ RMO કિરણ ગોસ્વામીએ જણાવ્યું કે, સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આટલું જ નહીં કોરોના માટે દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન તૈયાર રાખવામાં આવ્યા છે. 

 

કોરોનાના કેસમાં વધારો થતા AMAના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ જણાવ્યું કે, ઓમિક્રોન વાયરસ જ હાલ પણ જોવા મળી રહ્યો છે જે વધુ ભયાનક નથી. મોટાભાગના લોકોએ વેક્સિન લીધી છે તો હર્ડ ઇમ્યુનીટી જનરેટ થઈ ચુકી છે. કોરોનાના કારણે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી. બાળકોને ન્યુમોનિયા થઈ શકે છે. વડીલોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. લક્ષણો દેખાય તો ભીડથી દૂર રહો અને તાત્કાલિક ડોક્ટરને બતાવો. રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લો.

(1:36 PM IST)