News of Thursday, 22nd May 2025
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ : ઉત્તરવહી અવલોકન માટેની તારીખો જાહેર : કોલ લેટર આજથી ડાઉનલોડ કરી શકાશે
ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025ની પરીક્ષા માટેની પ્રક્રિયા શરૂ : 29 અને 30 મેના રોજ રૂબરૂ અવલોકન

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીઓના રૂબરૂ અવલોકન (વેરીફિકેશન) માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ ઉત્તરવહી અવલોકન માટે અરજી કરી છે, તેમના માટે તા. 29/05/2025 અને તા. 30/05/2025 ના રોજ ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવારો પોતાનો કોલ લેટર આજથી, તા. 22/05/2025 થી બોર્ડની વેબસાઇટ sci.gseb.org અથવા gseb.org પરથી ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક નંબર અને અરજી કરતી વખતે રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર દાખલ કરીને કોલ લેટર મેળવી લેવાનો રહેશે. બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ ઉમેદવારને અવલોકન માટેના કોલ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં, જેથી તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઇન માધ્યમથી કોલ લેટર ડાઉનલોડ કરી અવલોકન સ્થળ પર સમયસર હાજર રહેવા જણાવાયું છે.
અવલોકન સમયે કયા દસ્તાવેજો લાવવાના રહેશે?
ઉત્તરવહી અવલોકન માટે ઉપસ્થિત થનાર ઉમેદવારે બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ કોલ-લેટર, પ્રવેશપત્ર (હોલ ટિકિટ), ગુણપત્રક/પ્રમાણપત્રની નકલ અને અવલોકન માટે ભરેલી "ફી" ની રસીદ સાથે હાજર રહેવું ફરજિયાત રહેશે.
તમામ સંબંધિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓએ આ અંગેની નોંધ લેવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અખબારી યાદી દ્વારા જાણ કરવામાં આવી છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
