News of Thursday, 22nd May 2025
દરિયાકાંઠા પર સંભવિત ચક્રવાતની ચેતવણીને પગલે ઓખા કોસ્ટગાર્ડ એલર્ટ :બોટને કિનારે લાવવા તાકીદ
માછીમારોને લાઉડસ્પીકર દ્વારા અને અન્ય માધ્યમોથી સમુદ્રમાંથી પાછા ફરવા માટે સતત સૂચના

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા પર સંભવિત ચક્રવાતની ચેતવણીને પગલે ઓખા કોસ્ટગાર્ડ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. કોસ્ટગાર્ડના જવાનોએ માછીમારોને તાત્કાલિક દરિયાકિનારે પરત ફરવા માટે સૂચનાઓ આપી છે.
હવામાન વિભાગની આ ચેતવણીને કારણે સમગ્ર દરિયાઈ વિસ્તારોમાં કોસ્ટગાર્ડ એલર્ટ પર છે. ઓખા કોસ્ટગાર્ડના જવાનો દ્વારા સમુદ્રમાં તેમજ દરિયાકિનારે આવેલા માછીમારોને લાઉડસ્પીકર દ્વારા અને અન્ય માધ્યમોથી સમુદ્રમાંથી પાછા ફરવા માટે સતત જાણ કરવામાં આવી રહી છે. માછીમાર બોટને બંદર પર સુરક્ષિત રીતે લાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
આ સંભવિત ચક્રવાતને કારણે દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેને પગલે જાનમાલનું નુકસાન ન થાય તે માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધુ પગલાં લેવા માટે સજ્જ છે. માછીમારોને પણ કોસ્ટગાર્ડ અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
