<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

સ્માર્ટ મીટરમાં આવ્યું ૬.૨૯ લાખનું બિલ, મકાન માલિકના હોશ ઉડ્યા

વધુ વીજ બિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સોઃઆ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે, આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે અને અમારી કોઈ ભૂલ નથી

અંકલેશ્વર,તા.૨૨

ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૃઆત કરતાની સાથે જ લોકોનો વિરોધ શરૃ થયો હતો. સ્માર્ટ મીટરનું બિલ વધુ આવતુ હોવાથી લોકો તેનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે અંકલેશ્વરમાંથી વધુ વીજ બિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકે, ગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૃ. ૬.૨૯ લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.મકાન માલિકે જણાવ્યુ હતું કે, આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી હતી. આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે, આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે અને અમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કે, સિસ્ટમ કામ કરે છે કે માનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

 

 

(9:43 PM IST)