<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અડધા ગુજરાતમાં ‘‘મિની વાવાઝોડું'' ફૂંકાયું: ૧૦ તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ

કમોસમી વરસાદે ફરીથી સર્જી ભારે તારાજી... સુરેન્‍દ્રનગરમાં ૩૦થી વધુ ઘરોને થયું નુકસાન તો ગોંડલમાં હોસ્‍પિટલના કાચ પણ તૂટયા...યાત્રાધામ વીરપુરમાં કલાકોથી વીજળી ગુલ : છેલ્લાં ૨૪ કલાકમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, સુરતમાં કમોસમી વરસાદ ખાબકયો

અમદાવાદ તા.૨૩: ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્‍યો છે. લગભગ અડધા ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, સુરતમાં કમોસમી વરસાદ ખાબકયો છે. ભારે વરસાદને પગલે પાકને નુકસાન થતાં ખેડૂતો મુશ્‍કેલીમાં મૂકાયા છે. હજુપણ ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની આગાહી છે.

શક્‍તિ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્‍ટ્રમાં વરસાદની વધુ શકયતા છે. આજે ગુજરાતના ૧૨થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. ભારે વરસાદની સંભાવનાથી કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. ૫૦ થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશ સિસ્‍ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશન અને બાદમાં આ સિસ્‍ટમ સાયક્‍લોન બની શકે છે.

રાજપીપળા ખાતે મોડી રાત્રે એક વાગે વાવાઝોડું જેવો પવન ફૂંકાયો હતો. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્‍યો છે. ધૂળની ડમરીઓ અને પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડામાં ઘરના નળીયા છાપરા પતરા ઉડ્‍યા હતા. ઈલેક્‍ટ્રીક થાંભલાને પણ નુકસાની થઈ છે. વરસાદથી બચવા ગાયોનું ટોળાએ વરસાદમાં રેલિંગ કૂદીને નાસભાગ કરી હતી, જેથી સ્‍થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રાજપીપળામાં અચાનક કમોસમી વરસાદ ખાબકયો હતો. જેનાથી કેરી અને કેળના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. મોડી રાત્રે વાવાઝોડું થતા વીજળીડૂલ થઈ હતી, રાજપીપળામાં અંધારપટ છવાયો હતો.

 આણંદ જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે પલ્‍ટો આવ્‍યો હતો. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા. ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. સમગ્ર જિલ્લામાં રાત્રિના સુમારે વરસાદી ઝાપટા પડ્‍યા હતા. આણંદમાં વરસાદના હળવા ઝાપટાને લઈને માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા હતા. તો બીજી તરફ, કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્‍યા હતા. વીજળીના ચમકારા અને કડાકા થયા હતા. અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે વાતાવરણમાં પલ્‍ટો આવતાં ઠંડક પ્રસરી છે.

યાત્રાધામમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી હતી. સાંજના ૫ વાગ્‍યે વીજળી ગુલ થયાં બાદ રાતના ૧ વાગવા સુધી લોકો વીજળી વગરના રહ્યા હતા. પીજીવીસીએલની કામગીરીની પોલ કમોસમી વરસાદે ખોલી હતી. વીજપોલ પર સળગતા વીજ તણખલા ખરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માત્ર થોડા વરસાદમાં જ યાત્રાધામમાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે. વીરપુરમાં કલાકોથી વીજળી ગુલ થતા રાત્રી રોકાણ કરતા યાત્રાળુઓ અને ગ્રામજનો હેરાન પરેશાન થાય છે. આમ, પીજીવીસીએલની નબળી કામગીરી સામે આવી છે. પીજીવીસીએલના કમ્‍પ્‍લેન નંબર બંધ હાલતમાં છે.

ગઈકાલે રાજકોટ જિલ્લાના ગોંડલમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્‍યો. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્‍યો હતો. ભારે પવનથી અનેક વળક્ષો ધરાશાયી થયા હતા. અચાનક વરસેલા વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્‍યા. ગોંડલ તાલુકાના ગ્રામ્‍ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્‍યો. ત્રાકુડા, અનિડા, ઉમવાળા, કોલીથડ, હડમતાળા, વેજા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદ નોંધાયો. તો બીજી તરફ, ગોંડલ માર્કેટ યાર્ડમાં વરસાદ વચ્‍ચે છાપરામાં પડેલ ડુંગળી પલળી હોવાનો વીડિયો સામે આવ્‍યો છે. યાર્ડ સતાધીશોએ છાપરામાં ઉતારેલ જણસીઓ પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્‍યો છે.

 

(10:42 AM IST)