<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં ૨.૬૦ ઇંચ સાથે મેઘરાજાની અણધારી ધમાકેદાર એન્ટ્રી : રાજ્યના ૫૫ થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદથી ખેડૂતો અને જનજીવન પ્રભાવિત! જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યભરમાં ચોમાસા જેવો માહોલ : સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી અનરાધાર વરસાદ : ઉભા પાકને નુકસાનની ભીતિ સાથે ચિંતાનો માહોલ છવાયો

 

ગાંધીનગર, ૨૩ મે, ૨૦૨૫: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં, ગત ૨૨ મેની સવારના ૦૬:૦૦ કલાકથી ૨૩ મેની સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં રાજ્યના કુલ ૫૫ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ અણધાર્યા વરસાદે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં નોંધાયો છે, જ્યાં ૨.૬૦ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, અમરેલીના કુંકાવાવ વડિયામાં ૧.૮૯ ઇંચ, સુરતના માંગરોળમાં ૧.૩૮ ઇંચ, આણંદના તારાપુરમાં ૧.૦૨ ઇંચ અને જામનગરના જામજોધપુરમાં ૦.૯૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લાના હાંસોટ અને વાગરામાં અનુક્રમે ૦.૭૯ ઇંચ અને ૦.૭૫ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે રાજકોટના ગોંડલ અને ભરૂચના ઝઘડિયામાં ૦.૭૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. પોરબંદરના રાણાવાવ અને જૂનાગઢના ભેંસાણમાં ૦.૬૭ ઇંચ વરસાદ પડ્યો હતો.
અન્ય નોંધપાત્ર વરસાદ વાળા વિસ્તારોમાં ભરૂચ (૦.૬૩ ઇંચ), રાજકોટનું લોધિકા (૦.૫૧ ઇંચ), આણંદનું પેટલાદ (૦.૫૧ ઇંચ), અને તાપીનું વાલોડ (૦.૫૧ ઇંચ) સામેલ છે.
રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, મહિસાગર, વડોદરા, નર્મદા, દાહોદ, ભાવનગર, છોટાઉદેપુર, અને પંચમહાલના વિવિધ તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ નોંધાયો હતો, જેનું પ્રમાણ ૦.૦૪ ઇંચથી ૦.૪૭ ઇંચ જેટલું હતું. આ કમોસમી વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, અને રાજ્યભરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે.

(11:10 AM IST)