<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો : દેશનો સૌથી લાંબો અને રાજ્યનો પ્રથમ ૪૫-દિવસીય એડવેન્ચર ફેસ્ટ જલ-થલ-નભના રોમાંચક અનુભવો કરાવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરિઝમ – પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું કદમ : ઉત્તર ગુજરાતમાં ટુરિઝમ સર્કિટ વિકસાવવા ભવિષ્યલક્ષી આયોજન

મહેસાણા, ૨૩ મે, ૨૦૨૫: મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રીએ એડવેન્ચર ઝોનનું ઉદ્ઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પેરા મોટરિંગ સહિતની રાઇડ્સ નિહાળી હતી અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરીને તેની પણ મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરિઝમ – પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ધરોઈ ડેમ રિજીયન ડેવલપમેન્ટ કુલ ત્રણ ફેઈઝમાં સાકાર થશે. આ પ્રોજેક્ટ સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝ દ્વારા પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપશે. આ સાથે સ્થાનિક રોજગાર અવસર પૂરા પાડી *'વોકલ ફોર લોકલ'*ના ધ્યેયને પણ પાર પાડી શકાશે.
ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં 'આઈકોનિક પ્લેસ' તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાનું ભવિષ્યલક્ષી આયોજન પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા કાર્યરત છે.
પ્રવાસન વિભાગના સચિવ ડો. રાજેન્દ્ર કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત ૪૫ દિવસ સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં લેન્ડ બેઝ્ડ, વોટર બેઝ્ડ અને એર બેઝ્ડ એમ ત્રણેય પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે. પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં કુલ ૨૧ વિવિધ પ્રકારના ટેન્ટ અને અંદાજિત ૧૦૦થી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમ પ્રવાસન સચિવે માહિતી આપી હતી.
આ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ના ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ શોભનાબહેન બારૈયા, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય રમણભાઈ વોરા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના એમ. ડી. એસ. છાકછુઆક, સાબરકાંઠાના કલેકટર લલિત નારાયણ સંધુ, મહેસાણાના કલેકટર એસ.કે. પ્રજાપતિ, સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબહેન પટેલ સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એડવેન્ચર ફેસ્ટનાં મુખ્ય આકર્ષણો:
 * જલ-થલ-નભનો રોમાંચ: જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ.
 * આધુનિક રહેઠાણ: અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત ૨૧ ટેન્ટ સાથેનું ટેન્ટ સિટી.
 * જળ પ્રવૃત્તિઓ: પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી પાણીમાં થતી એક્ટિવિટીઝ.
 * આકાશી રોમાંચ: પેરામોટરિંગ, હોટ એર બલૂન જેવી એક્ટીવિટી.
 * ભૂમિગત સાહસ: રોક ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાઇકલિંગ, કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ.
 * નેચર અને ખગોળ: સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર.
 * સુવિધાઓ: અંદાજિત ૧૦૦થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હૉલ.
 * સુરક્ષા: તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઇડ રાઇડ અને આકસ્મિક આગ સામે સુરક્ષા વ્યવસ્થાની ઉપલબ્ધતા.

(1:53 PM IST)