<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

8.2% ગુજરાત રાજ્ય વિકાસ લોન 2025ની ચુકવણી જૂનમાં

ધારકોએ 20 દિવસ પહેલાં જામીનગીરીઓ જમા કરાવવી : ચુકવણી બેંક ખાતામાં જમા થશે

ગાંધીનગર: ગુજરાત સરકારના નાણાવિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 8.2% ગુજરાત રાજ્ય વિકાસ લોન, 2025ની બાકી રહેતી લોનની રકમ તેમજ 23 જૂન, 2025 સુધીનું લેણું વ્યાજ સહિત દર્શનિક કિંમતે 24 જૂન, 2025ના રોજ ચૂકવવામાં આવશે. જો આ દિવસે રાજ્ય સરકાર દ્વારા વટાઉખત અધિનિયમ, 1881 હેઠળ રજા જાહેર કરવામાં આવશે, તો ચુકવણી આગળના કાર્યકારી દિવસે કરવામાં આવશે. આ લોન પર 24 જૂન, 2025 પછી કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.

સરકારી જામીનગીરી વિનિયમો-2007ના નિયમ 24(2) અને 24(3) અનુસાર, સહાયકારી સામાન્ય ખાતાવહી, અંગભૂત સહાયકારી હિસાબ અથવા શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં ધરાવતા નોંધાયેલા ધારકોને પાકતી મુદતે ચુકવણી તેમના બેંક ખાતામાં વિજાણું માધ્યમો દ્વારા અથવા ચુકવણી હુકમ દ્વારા જમા કરવામાં આવશે. આ માટે ધારકોએ તેમના બેંક ખાતાની વિગતો પૂરી પાડવાની રહેશે.

જો બેંક ખાતાની વિગતો અથવા વિજાણું ચુકવણીના આદેશનો અભાવ હશે, તો ધારકોએ 8.2% ગુજરાત રાજ્ય વિકાસ લોન, 2025ની જામીનગીરીઓ પાકતી મુદતના 20 દિવસ પહેલાં જાહેર દેવા કચેરી ખાતે રજૂ કરવી અથવા જમા કરાવવી પડશે. આ જામીનગીરીઓની પાછળ “પ્રમાણપત્ર અંગેની મુદ્દલ બાકી રકમ/લેણું મળેલ છે” એવી નોંધ કરવાની રહેશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓ, જે સરકારી તિજોરીનું કામકાજ કરે છે, તેમણે ખાસ નોંધ લેવી કે જો જામીનગીરીઓ સ્ટોક સર્ટિફિકેટના રૂપમાં હોય, તો તે તિજોરી કે પેટા-તિજોરીમાં નહીં, પરંતુ સંબંધિત બેંક શાખામાં જ રજૂ કરવાની રહેશે. જો ધારકો ચુકવણી અન્ય સ્થળે મેળવવા ઈચ્છતા હોય, તો તેમણે વિધિસર દરખાસ્ત સાથે જામીનગીરીઓ રજિસ્ટર્ડ અને વીમાવાળી ટપાલ દ્વારા જાહેર દેવા કચેરીને મોકલવી પડશે. આવા કિસ્સામાં, જાહેર દેવા કચેરી ચુકવણી માટે ડ્રાફ્ટ જારી કરીને ચુકવણી કરશે.

ધારકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ચુકવણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે સમયસર જરૂરી દસ્તાવેજો અને બેંક વિગતો પૂરી પાડે. વધુ માહિતી માટે જાહેર દેવા કચેરીનો સંપર્ક કરી શકાય છે.

(2:01 PM IST)