<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ખેડૂતો માટે ખુશખબર : રાજ્ય સરકાર ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપશે!

‘રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬’ અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ૩૧ મે સુધી ઘઉંની ખરીદી : ખેડૂતોને પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરાશે

ગાંધીનગર, ૨૩ મે, ૨૦૨૫: ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 'રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬' અંતર્ગત ખેડૂતોને તેમના ઘઉંના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૫૦ નું બોનસ ચૂકવવામાં આવશે. આ અંગે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા એક યાદીમાં માહિતી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 'રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬' માટે ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨,૪૨૫ જાહેર કરવામાં આવ્યો છે. હવે આ ભાવ પર રાજ્ય સરકાર દ્વારા વધારાના રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ તરીકે ચૂકવવામાં આવશે, જે સીધો ખેડૂતોને લાભ આપશે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી હાલમાં ચાલી રહી છે. ઘઉંની પ્રાપ્તિ માટેની સમયમર્યાદા તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી નિયત કરવામાં આવી છે. નિગમ દ્વારા તમામ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી તેઓ પોતાના ઉત્પાદનના વધુ સારા ભાવ મેળવી શકે. આ નિર્ણયથી રાજ્યના હજારો ઘઉં ઉત્પાદક ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થશે તેવી અપેક્ષા છે.

(2:03 PM IST)