<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

આગામી 7 દિવસ ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહીના કારણે વહીવટી તંત્ર સજજ : જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા તથા અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ

મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓને શેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે ખસી જવા આદેશ : ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ભરૂચ તા.૨૩ : આગામી 7 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. જેને લઇને વહીવટી તંત્ર સજજ બન્યું છે. જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભરૂચ વહીવટી તંત્ર પણ સજજ બન્યું છે. 

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ભરૂચના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાથે જ મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓને શેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગ  અધિકારીઓને ખડેપગે તૈનાત રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોને પણ સ્ટેન્ડબાય કરવામાં આવી છે વૃક્ષ ધરાશાયી  થવાના બનાવમાં તાત્કાલિક તેને હટાવી માર્ગ પુનઃ કાર્યરત કરવા સૂચના આપી દેવામાં આવી છે.

(3:39 PM IST)