<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ : "ચૂંટણીલક્ષી 'ધનસંચય યોજના' હેઠળ મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ભાજપના મોટા માથાઓના સગાવહાલાઓની એજન્સીઓને તરફેણ!"

દાહોદ અને પંચમહાલમાં વ્યાપક ગોટાળાનો પર્દાફાશ : નિયમોનો સરેઆમ ભંગ કરી મજૂરીના બદલે મટીરીયલ પાછળ ૯૪% ખર્ચ : અમિત ચાવડાની વિજિલન્સ તપાસ અને જવાબદારોને જેલ ભેગા કરવાની સખત માંગ

અમદાવાદ, ૨૩ મે, ૨૦૨૫: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે રાજ્યની ભાજપ સરકાર પર મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ચૂંટણીના વર્ષમાં મનરેગામાં મોટા પાયે નાણાકીય ગોલમાલ થઈ છે અને આ રૂપિયા ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હોવાની પૂરી સંભાવના છે. તેમણે સમગ્ર મામલે તાત્કાલિક વિજિલન્સની તપાસ કરાવવા અને જવાબદારોને જેલમાં ધકેલવાની ઉગ્ર માંગ કરી છે.
"પારદર્શક નહીં, અપારદર્શક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે!" - અમિત ચાવડા
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકારમાં અપારદર્શક નહીં, પરંતુ પારદર્શક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, જો મનરેગાના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે તો ભ્રષ્ટાચાર ક્યાં અને કેવી રીતે આચરવામાં આવ્યો છે તે સ્પષ્ટપણે બહાર આવી જશે. તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપના મોટા માથાઓના સગાં-વહાલાંઓની એજન્સીઓને લાખો કરોડો રૂપિયાનું કામ આપી દેવામાં આવ્યું છે. મનરેગા યોજનાના નીતિ-નિયમો સ્પષ્ટ છે કે, મટિરીયલ અને મજૂરી માટે કેટલી જોગવાઈ હોવી જોઈએ, પરંતુ ગુજરાતમાં આ નીતિ-નિયમોનો સરેઆમ છેદ ઉડાડીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
અમિત ચાવડાએ કેટલાક ચોક્કસ કિસ્સાઓ ટાંક્યા: "દાહોદમાં પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડના પુત્રો જેલમાં ગયા છે. તેમને બચાવવાનો મિથ્યા પ્રયાસ કરાઈ રહ્યો છે, પરંતુ પુરાવાઓ મંત્રીપુત્રની વિરુદ્ધમાં છે. આવો જ બીજો કિસ્સો પંચમહાલના જાંબુઘોડામાં છે. ત્યાં પણ સગાં-વહાલાંઓના નામે એજન્સીઓની હાટડી ખોલીને લાખ્ખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગુજરાતમાં તો ચોકીદાર જ ચોર હોય તેવો ઘાટ સર્જાયો છે."
મનરેગામાં આંકડાકીય ગોટાળાનો પર્દાફાશ: નિયમોનો સરેઆમ ઉલ્લંઘન
અમિત ચાવડાએ મનરેગા યોજનામાં કેવી રીતે પારદર્શક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેનો આંકડાઓ રજૂ કરીને પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં ૨૬ ગામ આવેલા છે અને ૪૨ હજારની વસ્તી છે. તેમ છતાં, મનરેગા યોજના થકી તેમાં ૨૦૨૧-૨૦૨૨ના વર્ષમાં ૫૪ કરોડ ૩૯ લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ પૈકી ૨૧ ટકા રકમ મજૂરી પાછળ અને ૭૯ ટકા રકમ મટીરીયલ પાછળ વપરાઈ છે. મનરેગા યોજના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રોજગારી આપવા માટે છે. આ કાયદા મુજબ ૬૦ ટકા રકમ રોજગારી હેઠળ અને ૪૦ ટકા રકમ મટીરીયલ પાછળ વાપરવાની જોગવાઈ છે. તેનો સરેઆમ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, જે વર્ષમાં ભાજપે 'ધનસંચય યોજના' અમલમાં મૂકી હતી તે ૨૦૨૨-૨૦૨૩ના વર્ષમાં માત્ર જાંબુઘોડા તાલુકામાં જ મનરેગા હેઠળ ૧૨૮.૯૯ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે. આ આંકડાઓ મુજબ, તેમાંથી માત્ર ૬ ટકા રકમ જ મજૂરી માટે ચૂકવાઈ છે, જ્યારે બાકીની ૯૪ ટકા રકમ મટીરીયલ માટે વપરાઈ છે.
અમિત ચાવડાએ એમ પણ કહ્યું છે કે, આ દસ્તાવેજી પુરાવાઓ અને આંકડાકીય માહિતી પૂરી પાડવામાં તેમને ભાજપના પણ કેટલાક લોકોએ મદદ કરી છે. તેમણે પણ કહ્યું છે કે "વિકાસના નામે કેટલાકના ઘર અને તિજોરી ભરાઈ છે. તે ખાલી કરાવીને જેલની કોટડીઓ ભરાવી જોઈએ."

 

(5:26 PM IST)