તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં જોડાયા : નદીની સ્વચ્છતામાં નાગરિકોને સહભાગી થવા અપીલ
408 મેટ્રિક ટન કચરો હટાવાયો : પ્રધાનમંત્રી મોદીના રિવરફ્રન્ટના વિઝનને બિરદાવ્યું : 5 જૂન સુધી શ્રમદાન કરવા નાગરિકોને આહ્વાન

અમદાવાદ, 24 મે, 2025: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'માં જોડાયા હતા. તેમણે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. અમદાવાદના નાગરિકોને સંબોધતા તેમણે જણાવ્યું કે, જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ માણી રહ્યા છે, તેમણે નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ અને તેની સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન' અંતર્ગત અત્યાર સુધીમાં સાબરમતી નદીમાંથી કુલ 408 મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો છે. આ કચરામાં 33 મેટ્રિક ટનથી વધુ કાપડ, 70 મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિક અને 41 મેટ્રિક ટન જેટલું લાકડું સામેલ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે, પૂજનની અવશિષ્ટ સામગ્રી અને પ્લાસ્ટિકથી નદીમાં ખૂબ ગંદકી થાય છે. સાબરમતી નદીને સ્વચ્છ અને પવિત્ર રાખવી એ આપણી સામૂહિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે જો આપણે સજાગ થઈશું તો આવનારી પેઢીને સ્વચ્છ સાબરમતી અને સ્વચ્છ પર્યાવરણ પ્રદાન કરી શકીશું.
આચાર્ય દેવવ્રતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને બિરદાવતા કહ્યું કે, તેમણે પ્રદૂષિત, દુર્ગંધયુક્ત અને ગંદકીના ઘર જેવી સાબરમતી નદીની ગંદકી દૂર કરવાનો સંકલ્પ કર્યો અને સાબરમતી રિવરફ્રન્ટનું નિર્માણ કર્યું, જેથી નદી અમદાવાદ માટે વરદાન બની શકે. આજે સાબરમતી રિવરફ્રન્ટ દેશ અને દુનિયા માટે એક પ્રેરણારૂપ બન્યો છે, અને અમદાવાદ માટે શાંતિ તથા આનંદનું વાતાવરણ પ્રદાન કરનાર બન્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નિયમિત રીતે પ્રતિમાસ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થાય છે અને લોકોને સ્વચ્છતા માટે સતત પ્રેરિત કરતા રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આ અભિયાન અંતર્ગત રિવરફ્રન્ટમાં મોટી સંખ્યામાં પ્લાસ્ટિક અને ધાર્મિક પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી જોવા મળી છે, જેના કારણે સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. તેમણે અમદાવાદના નાગરિકોને અપીલ કરી કે આગામી 5 જૂન સુધીમાં થોડો સમય કાઢીને 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'માં સહભાગી થવું જોઈએ.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલ, ધારાસભ્યો, કોર્પોરેટરો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન આઇ.પી. ગૌતમ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, ચેરમેનો, AMC ના અધિકારીઓ-પદાધિકારીઓ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, NID ના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, વિવિધ સંસ્થાઓ અને NGO ના કાર્યકર્તાઓ તેમજ આસપાસના વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા.
AMC અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે 15 મેથી 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'ની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ દ્વારા વાસણા બેરેજમાં બંધ સુરક્ષાને ધ્યાને લઈ ચોમાસા પૂર્વે દરવાજાના મરામતની કામગીરી અને વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરવાની હતી. નદી સંપૂર્ણપણે ખાલી થવાની હોવાથી જનહિતમાં નદીની સફાઈ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અભિયાનની શરૂઆત અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈનના વરદ હસ્તે કરવામાં આવી હતી. આજ સુધીમાં આ મહાઅભિયાનમાં કુલ 40,435 લોકો શ્રમદાન કરી ચૂક્યા છે. લોકો સ્વતંત્રપણે, તેમજ વિવિધ સંસ્થાઓ જેવી કે ધાર્મિક, સામાજિક, ઉદ્યોગ, શાળા, કોલેજ, NCC વગેરેમાંથી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. કચરો સાફ કરવાના શ્રમદાનમાં JCB, ટ્રક, ટ્રેક્ટર અને હિટાચી જેવા યાંત્રિક ઉપકરણો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
