News of Saturday, 24th May 2025
ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદની સંભાવના : જાણો ક્યાં દિવસે ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી

દક્ષિણ ભારતના કેરળમાં આજે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. મોટાભાગે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ બેસતું હોય છે, પરંતુ આ વર્ષે 8 દિવસ વહેલા બેસી ગયું છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના હવામાનમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પલટો જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં આખો દિવસ અસહ્ય બફારા બાદ સાંજ પડતાં જ વાતાવરણમાં નાટ્યાત્મક પલટો આવે છે અને ઠંડા પવન ફૂંકાઈને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે છે. આજે કેરળમાં વહેલું ચોમાસાનું આગમન થતા હવે ગુજરાતમાં પણ ચોમાસાના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જેમાં આગામી 30 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા મેપ મુજબ, આજથી લઈને આગામી 26 મે સુધી સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર-સોમનાથ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને જોતા ઑરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.
જ્યારે 27 અને 28 મેના રોજ કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિતના જિલ્લાઓમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
