<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

દક્ષિણ ગુજરાતના 31 તાલુકામાં વરસાદ વરસ્યો : વાપીનો મુખ્ય રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ

વલસાડ અને નવસારી જિલ્લામાં મેઘરાજાનો મુકામ : બે કલાકમાં ધોધમાર વરસાદે નવસારી અને વાપીને ઘમરોળ્યા: 3 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના પગલે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાતના 31 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 વાગ્યાથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતુ. ખાસ કરીને વલસાડ જિલ્લાના વાપીમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં જ 31 મિ.મી (1.4 ઈંચ) જેટલો ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન નવસારી શહેરમાં 24 મિ.મી (1.2 ઈંચ), વાંસદામાં 17 મિ.મી, જલાલપોરમાં 17 મિ.મી અને વલસાડના ધરમપુરમાં 21મિ.મી વરસાદ નોંધાયો હતો.

આજે સાંજે 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો, વાપીમાં 36 મિ.મી, નવસારી શહેરમાં 32 મિ.મી, વાંસદામાં 29 મિ.મી, સુરતના પલસાણામાં 24 મિ.મી, જલાલપોરમાં 23 મિ.મી, બારડોલીમાં 20 મિ.મી વરસાદ વરસ્યો છે.

વહેલી સવારે ગાજવીજ સાથે તૂટી પડેલા ભારે વરસાદના કારણે વાપીનો મુખ્ય રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગત ગુરુવારે મોડી રાતથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવેલા અણધાર્યા પલટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે ઉનાળું પાકની સિઝનમાં સારા પાકની આશાએ ખેડૂતો દ્વારા મોટા ખર્ચે વાવેતર કરવામાં આવ્યું હતુ. જો કે ભારે પવન સાથે પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધુ છે.

(6:47 PM IST)