તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 24th May 2025
સુરતના સચિન GIDCમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: બિહારથી હત્યારા પ્રેમીને ઝડપી લેવાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલીને એક આરોપીની ધરપકડ કરી:ગુનામાં આરોપી બીજુ કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો જ પ્રેમી હોવાનું ખુલ્યું

સુરતના સચિન GIDC વિસ્તારમાં એક મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલીને એક આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં આરોપી બીજુ કોઈ નહીં, પરંતુ મૃતક મહિલાનો જ પ્રેમી હોવાનું ખુલ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત તારીખ 8-5-2025 ના રોજ સચિન જીઆઇડીસી હદ વિસ્તારમાંથી એક અજાણી મહિલાની ક્રૂર રીતે હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે-તે સમયે મહિલાની ઓળખ થઈ ન હતી અને મહિલાને માથા ઉપર તેમજ ચહેરાના ભાગે ચહેરો ઓળખાઈ નહીં તે રીતે ઈજાઓ કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાબતે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને 500 જેટલા CCTV કેમેરા ચેક કરી ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
આ દરમિયાન પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાની વતની મુન્નીદેવી ચૌહાણ તરીકે થઈ ગતી. જે સચિન GIDC સ્થિત અંબિકાનગર ખાતે રહેતી હતી. મુન્નીદેવીની હત્યા અરમાન હાશ્મી નામના વ્યક્તિએ કરી હોવાનું સામે આવ્યું હતુ. જેના આધારે તપાસ કરતાં આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ પોતાના વતન ભાગી ગયો હોવાનું માલૂમ પડ્યું હતુ. આથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસના અંતે આરોપી અરમાન હાશ્મી (21)ને બિહારથી ઝડપી પાડ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અરમાન અપરિણીત છે, જ્યારે મૃતક મુન્નીદેવી પરિણીત હતી. બન્ને વચ્ચે પ્રેમ પાંગરતા તેઓ ભાડે રૂમ રાખીને રહેતા હતા. જ્યાં મૃતક મહિલા પોતાના પ્રેમી ઉપર શંકા કરતી હોવાથી બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આથી પ્રેમિકાનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કરીને અરમાન તેને અવાવરું જગ્યાએ મળવા લઈ ગયો હતો. જ્યાં લોખંડના સળિયા વડે મહિલાનું માથું છૂંકી નાંઘીને ભાગી ગયો હતો.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
