<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર ખાડામાં પલટી મારી ગયું: કેમિકલ લીક થવા લાગ્યું

નડિયાદ અને આણંદના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી પાસે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર હાઇવેની રેલિંગ તોડીને લગભગ 20 ફૂટ ખાડામાં જતાં તેમાં ભરેલું કેમિકલ લીક થવા લાગ્યું હતું. આ ટેન્કર દહેજથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું અને તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું 16,000 લિટર કેમિકલ ભરેલું હતું.

આ ઘટનાની જાણ થતાં જ નડિયાદ અને આણંદના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી થતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી આવતાની સાથે જ શરૂ કરી દીધી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નડિયાદના ડીવાયએસપી, ચકલાસી પીઆઈ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

(9:31 PM IST)